(જી.એન.એસ) તા. 10
મુંબઈ,
બોલિવૂડના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ગોરેગાઉં વેસ્ટમાં આવેલી ઓફિસમાં મોટી ચોરી થઈ છે અને ચોર લાખોની કિંમતનો સામાન લઈને ફરાર થઈ ગયો છે. આ કેસમાં પોલીસ પ્રીતમની ઓફિસમાં કામ કરતા વ્યક્તિને શોધી રહી છે. પ્રીતમના મેનેજરે શનિવારે મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓફિસ બોય પ્રિતમની ઓફિસમાંથી 40 લાખ રૂપિયા ભરેલું બેગ લઈને ફરાર થઈ ગયો છે. તે વ્યક્તિ પાસે ઓફિસની દરેક માહિતી હતી. પ્રીતમ તેના તમામ કામ એક જ ઓફિસમાં કરે છે. પોલીસ હાલમાં ઓફિસ બોયને શોધી રહી છે જે ચોરીને અંજામ આપીને ભાગી ગયો હતો.
પ્રીતમના મેનેજર વિનીત છેડાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા એક વ્યક્તિ પ્રીતમના કામ માટે ઓફિસમાં 40 લાખ રૂપિયા લાવ્યો હતો, જે વિનીતે મેળવી લીધો હતો અને રૂપિયા મુંબઈની ઓફિસમાં રાખ્યા હતા. જ્યારે પ્રીતમના મેનેજરે તેને આ 40 લાખ રૂપિયા આપ્યા ત્યારે પ્રીતમની ઓફિસમાં કામ કરતો આશિષ સાયલ નામનો વ્યક્તિ ઓફિસમાં હાજર હતો. પ્રીતમના મેનેજર પ્રિતમના ઘરે કેટલાક દસ્તાવેજો પર સહી કરવા ગયા હતા અને સહી કર્યા બાદ જ્યારે તેઓ ઓફિસે પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે પૈસાવાળી બેગ ત્યાં ન હતી.
જ્યારે મેનેજરે અન્ય કર્મચારીઓને ઓફિસમાં બેગ વિશે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે આશિષ સાયલ પૈસા ભરેલી બેગ લઈ ગયો હતો. જ્યારે મેનેજરે કર્મચારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેનો મોબાઈલ બંધ હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.