જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન – ૨૦૨૫ : અમદાવાદ જિલ્લો
અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત, તળાવના જળસ્તર ઊંચા લાવવા રિચાર્જિંગ વેલના નિર્માણને વેગ
(જી.એન.એસ) તા. 31
અમદાવાદ,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીપૂર્ણ પ્રેરણા અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા સંચાલિત ‘જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫’ના રાષ્ટ્રવ્યાપી આહવાનને અનુસરીને અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લામાં ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરીને અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા બાવળા, સાણંદ અને દસ્ક્રોઇમાં ૨૨૪ રિચાર્જ વેલ બનાવવાનું આયોજન છે. તળાવના જળસ્તર ઊંચા લાવવા માટે અલગ અલગ તળાવમાં આ રિચાર્જ વેલ બનાવાશે. જળ સંચય થકી જળ સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો ધ્યેય આ અભિયાનનો છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી, તેને ભૂગર્ભમાં ઉતારી જળસ્તરને પુનર્જીવિત કરવાનો, સિંચાઈ ક્ષમતા વધારવાનો અને લાંબાગાળે ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં જળને જીવનદાયી અને પવિત્ર માનવામાં આવે છે. ‘પાણી બચાવવું એ આપણા સૌની ફરજ છે’ અને ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ જેવા મંત્રો આજે વૈશ્વિક જળ સંકટના સમયમાં વધુ પ્રસ્તુત બન્યા છે.
‘કેચ ધ રેઇન’ અભિયાનનો મૂળભૂત સિદ્ધાંત છે કે વરસાદી પાણી જ્યાં પડે ત્યાં જ તેનો સંગ્રહ કરવામાં આવે. આનાથી ભૂગર્ભ જળ ભંડાર સમૃદ્ધ બને છે, જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે, અને પાણીની અછતવાળા વિસ્તારોમાં રાહત મળે છે. ઉનાળામાં પાણીની તીવ્ર અછત અને ડાર્ક ઝોનમાં રૂપાંતરિત થતા વિસ્તારો માટે આ પ્રકારના જળ સંચયના ઉપાયો આશીર્વાદરૂપ છે. જનભાગીદારી થકી હાથ ધરાતાં આવાં કાર્યો ભવિષ્યની પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે, જે ‘વિકસિત ભારત @૨૦૪૭’ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાયક બનશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આ કામગીરી સુચારુ રૂપે ચાલી રહી છે.
પંચાયત સિંચાઈ વિભાગ, અમદાવાદ પાસેથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, સમગ્ર અમદાવાદ જિલ્લામાં રિચાર્જ વેલ બનાવવા માટે કુલ ૨૨૪ કામો મંજૂર કરવામાં આવ્યાં છે. આ પૈકી ૨૨ કામો પર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે ૨૦૨ કામો હાલ આયોજનના વિવિધ તબક્કામાં છે. તાલુકાવાર વિગતો જોવામાં આવે તો, દસ્ક્રોઈ તાલુકામાં ૧૬ કામો મંજૂર થયાં છે, જેમાંથી ૧ કામ શરૂ થઈ ગયું છે અને ૧૫ કામો આયોજન હેઠળ છે. સાણંદ તાલુકામાં સૌથી વધુ ૧૨૧ કામો મંજૂર કરાયાં છે, જે પૈકી ૧૧ કામો શરૂ થઈ ચૂક્યાં છે અને ૧૧૦ કામોનું આયોજન ચાલી રહ્યું છે. તે જ રીતે, બાવળા તાલુકામાં ૮૭ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ૧૦ કામો શરૂ કરી દેવાયાં છે અને ૭૭ કામો આયોજન હેઠળ છે. અમદાવાદ જિલ્લા પંચાયત ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરીને પ્રતિબદ્ધતા સાથે આગળ વધારી રહી છે અને આગામી ચોમાસા પહેલાં વધુને વધુ રીચાર્જ સ્ટ્રક્ચર્સ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
અમદાવાદ જિલ્લા પંચાયત તમામ નાગરિકો, ખેડૂતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોને આ જળ સંચયના મહાઅભિયાનમાં સક્રિયપણે જોડાવા અને સહયોગ આપવા અપીલ કરી છે. વરસાદી પાણીના સંગ્રહ માટેના નાનામાં નાના પ્રયાસો પણ સામૂહિક રીતે મોટા પરિણામો લાવી શકે છે. આ ટ્યૂબવેલ રિચાર્જિંગના કાર્યો પૂર્ણ થવાથી ન માત્ર ખેતી માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે, પરંતુ પીવાના પાણીની સમસ્યા પણ હળવી બનશે અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મદદ મળશે.


