પ્રાકૃતિક ખેતી ભવિષ્યનું સમાધાન : પ્રાકૃતિક ખેતીને મહાકૌશલથી રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બનાવીએ એ જ સમયની માંગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવતજી

પ્રાકૃતિક ખેતી ભવિષ્યનું સમાધાન : પ્રાકૃતિક ખેતીને મહાકૌશલથી રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બનાવીએ એ જ સમયની માંગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવતજી


મધ્યપ્રદેશ સરકાર પ્રાકૃતિક ખેતીને રાજ્યવ્યાપી અભિયાન બનાવશે : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ

(જી.એન.એસ) તા. 26

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે દિશા સૂચન કર્યું

મહાકૌશલમાં પ્રાકૃતિક ખેતી ઝુંબેશને નવી ગતિ મળી : 1500 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓથી માહિતગાર થયા

મધ્ય પ્રદેશના જબલપુરમાં માનસ ભવન ખાતે ‘એક ચૌપાલ – પ્રકૃતિ ખેતી કે નામ’ વિષય પર આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મધ્યપ્રદેશના જાહેર બાંધકામ વિભાગના મંત્રી અને જબલપુર પશ્ચિમના ધારાસભ્ય શ્રી રાકેશ સિંહના પ્રયાસોથી યોજાયો હતો, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહાકૌશલ ક્ષેત્રના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, પદ્ધતિઓ અને ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો અને આ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવાનો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયક ભાષણ : પ્રાકૃતિક ખેતી એ ભવિષ્યની જરૂરિયાત-

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધતાં પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતી વિકલ્પ માત્ર નથી, પરંતુ અનેક સમસ્યાઓનો કાયમી ઉકેલ છે. રસાયણોએ જમીનની ફળદ્રુપતા અને પાણી શોષવાની ક્ષમતાનો નાશ કર્યો છે.  સાથે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ મોટા સંકટમાં મૂકી દીધું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સાત્વિક ખોરાક માનસિક શુદ્ધિનું મૂળ છે અને તે માત્ર પ્રાકૃતિક ખેતી દ્વારા જ શક્ય છે. મધ્યપ્રદેશને ‘દેશનું પેટ’ ગણાવતાં તેમણે કહ્યું કે, જો આ પ્રદેશ મજબૂત બનશે, તો સમગ્ર ભારતનું પોષણ થશે. તેથી, મહાકૌશલથી પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બનાવવું એ સમયની માંગ છે.

તેમણે કહ્યું કે, યુરિયા અને ડીએપી જેવા રસાયણોએ ખેતરોની જમીનને સિમેન્ટ જેવી કઠણ કરી નાખી છે, જેના કારણે વરસાદી પાણી જમીનમાં શોષાઈ શકતું નથી અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચે જઇ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં, અળસિયા દ્વારા બનાવાયેલાં છિદ્રો વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં મદદ કરે છે. એક અળસિયું તેના જીવનકાળમાં 30-40 હજાર અળસિયા પેદા કરે છે અને મૃત્યુ પછી જમીનમાં 17 પ્રકારના પોષક તત્વો છોડીને જાય છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જંગલોની જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2.5% થી 3% છે, જ્યારે રાસાયણિક ખેતીને કારણે આપણા ખેતરોમાં ઓર્ગેનિક કાર્બન ઘટીને 0.2% થી 0.5% સુધી થઈ ગયું છે, જેના કારણે જમીનની પોષણક્ષમતા નાશ પામી રહી છે. તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ, પૂર અને ભૂકંપ જેવી આફતો પ્રકૃતિ સાથેની છેડછાડનું જ પરિણામ છે. તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો વધારો કરોડો ટન અનાજનું ઉત્પાદન ઘટાડે છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, રાસાયણિક ખાતરોમાં રહેલો નાઇટ્રોજન હવાના ઓક્સિજન સાથે ભળીને નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે છે જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધુ ખતરનાક છે. વીજળી પડવાથી વાતાવરણમાં લાખો ટન કુદરતી નાઇટ્રોજન બને છે જે વરસાદ દ્વારા ખેતરોમાં પહોંચે છે, તેથી ખેતરમાં અલગથી નાઇટ્રોજન ઉમેરવાની જરૂર નથી.

રાજ્યપાલશ્રીએ એમ પણ કહ્યું કે, ભારત સરકારને ખેડૂતોને 300 રૂપિયામાં યુરિયા આપવા માટે મોટો વિદેશી ખર્ચ કરવો પડે છે. તેમ છતાં, આ રાસાયણિક ખાતરો આપણી માટી, પાણી અને ભાવિ પેઢીને નુકસાન પહોંચાડી રહ્યા છે. રસાયણોને કારણે નવજાત શિશુઓમાં ડીએનએ પરિવર્તન અને માનસિક મંદતા જેવી સમસ્યાઓ વધી રહી છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે, તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી પ્રતિ એકર 32 ક્વિન્ટલ ડાંગરનું ઉત્પાદન થયું, જ્યારે રાસાયણિક ખેતીથી માત્ર 20 ક્વિન્ટલ જ ઉત્પાદન થયું. ખર્ચ પણ પ્રતિ એકર માત્ર 3000 રૂપિયા હતો, જ્યારે રાસાયણિક ખેતીમાં  20,000 રૂપિયા જેટલો થાય છે. આ ઉપરાંત, પાણીની જરૂરિયાત પણ 50% ઘટી જાય છે.

રાજ્યપાલશ્રીએ માહિતી આપી કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન હેઠળ કેન્દ્ર સરકારે રૂપિયા 2481 કરોડના બજેટની ફાળવણી કરી છે. તેમણે કહ્યું કે, જો પ્રાકૃતિક ખેતીને પાંચ આયામો – બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, મલ્ચિંગ અને બહુવિધ પાક – સાથે અપનાવવામાં આવે તો તે ઓર્ગેનિક અને રાસાયણિક ખેતી બંને કરતાં વધુ ઉત્પાદન આપે છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, 1 ગ્રામ ગાયના છાણમાં 300 થી 500 કરોડ સુક્ષ્મજીવો હોય છે, જે જમીનની ઉત્પાદકતા અને ઓર્ગેનિક કાર્બનમાં વધારો કરે છે. ગૌમૂત્ર કુદરતી જંતુનાશક તરીકે કાર્ય કરે છે.

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ : પ્રાકૃતિક ખેતી રાજ્યની નીતિ બનશે-

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે તેમના સંબોધનમાં કહ્યું કે, મધ્ય પ્રદેશનું અર્થતંત્ર કૃષિ પર આધારિત છે. જો ખેડૂતો સમૃદ્ધ હશે, તો રાજ્ય આત્મનિર્ભર બનશે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ સરકાર પ્રાકૃતિક ખેતીને રાજ્યવ્યાપી અભિયાન તરીકે વિકસાવશે. સરકાર ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન, તાલીમ અને માર્કેટિંગ સહાય પૂરી પાડશે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના યોગદાનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, રાજ્યને આ ક્ષેત્રમાં તેમના અનુભવ અને માર્ગદર્શનનો લાભ મળશે.

મંત્રી શ્રી રાકેશ સિંહ અને કૃષિ મંત્રી શ્રી કંસાનાનું યોગદાન-

કાર્યક્રમના આયોજક મંત્રી શ્રી રાકેશ સિંહે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ભારતની વૈદિક પરંપરા રહી છે. ઋષિ પરાશર અને ઋષિ સુરભનના શ્લોકોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારતમાં ખેતી હંમેશા ઋતુ અને પ્રકૃતિના સંકેતો પર આધારિત રહી છે. તેમણે જણાવ્યું કે 26 ડિસેમ્બર 2024 ના રોજ તેઓ ગાંધીનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા, જેનાથી  પ્રેરાઈને તેમણે આ કાર્યક્રમનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો હતો.

કૃષિ મંત્રી શ્રી એદલસિંહ કંસાનાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને નાણાકીય સહાય, તાલીમ અને ઓર્ગેનિક ઇનપુટ્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે, વિભાગ આ દિશામાં નક્કર પગલાં લઈ રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’  ઉપસ્થિત ખેડૂતોને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને જનપ્રતિનિધિઓએ પણ ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

મહાકૌશલમાં પ્રાકૃતિક ખેતીની વિશાળ શક્યતાઓ-

નર્મદા ખીણની આસપાસ સ્થિત મહાકૌશલ પ્રદેશ પ્રાકૃતિક ખેતી માટે અત્યંત યોગ્ય છે. અહીંની જમીનની ગુણવત્તા સારી છે, વરસાદ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ખેડૂતો પહેલાથી જ ગાયના છાણ, ગૌમૂત્ર, મિશ્ર પાક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ક્લાઇમેટ સ્માર્ટ વિલેજ જેવી યોજનાઓથી અહીં પ્રાકૃતિક ખેતીના સારા પરિણામો લાવ્યા છે. આનાથી જમીનની ઓર્ગેનિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે અને નફો વધ્યો છે.

કાર્યક્રમના અંતે, ઉપસ્થિત ખેડૂતો અને જનપ્રતિનિધિઓએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી અને તેને અન્ય લોકો સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે જબલપુરના મેયર શ્રી જગત બહાદુર સિંહ અન્નુ, રાજ્યસભા સાંસદ શ્રીમતી સુમિત્રા વાલ્મિક, લોકસભા સાંસદ શ્રી આશિષ દુબે, ધારાસભ્યોશ્રી અજય વિશ્નોઈ, શ્રી અશોક રોહાની, શ્રી અભિલાષ પાંડે, શ્રી નીરજ સિંહ અને શ્રી સંતોષ બરકડે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી આશા ગોટિયાન, નગર પાલિકા પ્રમુખ શ્રી રિકુંજ વિજ, ભાજપ ગ્રામીણ જિલ્લા પ્રમુખ શ્રી રાજકુમાર પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી રત્નેશ સોનકર ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *