અજાણ્યા ગઠીયા ગૃહસ્થ પર મેલું નાખી તેમની લૂંટ કરવાનો કારસો રચ્યો હતો
બેંક ખાતેદાર ગૃહસ્થની સજાગતાએ ગઠિયાઓને ફાવવા દીધા નહિ: પાલનપુરમાં અવાર નવાર ચિલ ઝડપ તેમજ દર દાગીના સેરવી લેવાની ઘટનાઓ વચ્ચે ન્યુ બસ પોર્ટ પર બેંકમાં સોના ચાંદીના દાગીના મૂકવા આવેલ એક ગૃહસ્થના દાગીના પડાવી લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં અજાણ્યા ગઠિયાએ ગૃહસ્થ પર મેલું નાખ્યું હતું. જેને લઇ કોઈ અજુગતું થવાનો અહેસાસ થતા ગૃહસ્થ સીધા બેંકમાં પહોચી જતાં તેમના દાગીના બચી જવા પામ્યા હતા.
પાલનપુરમા ન્યુ બસ પોર્ટ ખાતે આવેલ માર્કેન્ટાઇલ બેંકમાં એક ખાતેદાર તેમના વીસ લાખની વધુની કિંમતના સોના ચાંદીના દાગીના લોકરમાં મુકવા આવ્યા હતા. જ્યા આ ગૃથસ્થ બેંક આગળ ઉભા હતા. દરમ્યાન એક અજાણ્યો યુવક આવી ને તેમને કહેલ કે તમારા પૈસા પડી ગયા છે. જેને લઇ ગૃહસ્થે કહેલ કે, પૈસા મારા નથી. જે બાદ બીજો યુવક આવીને આ ગૃહસ્થ પાસે દાગીના ભરેલ થેલી પડાવી લેવા તેમની જાણ બહાર તેમના શર્ટ પર મેલું નાખી જતો રહ્યો હતો. ત્યાર બાદ અન્ય યુવકે આવીને કહેલ કે, તમારા શર્ટ પર કઈક પડ્યું છે. જેને લઇ ગૃહસ્થને શંકા જતા તેઓ બેંકમાં જઇ શર્ટ ઉતારી દાગીના લોકરમાં મૂકી દેતા તેમના દાગીના બચી જવા પામ્યા હતા. જોકે, આ ગઠીયા બેંક બહાર તેમની ગાડીમાંથી એક બેગ ઉઠાવીને તેમાં રહેલા રૂ.વીસેક હજાર લઇ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.