ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં મોટા ઉદ્યોગો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટર માટેની ‘આત્માનિર્ભર ગુજરાત-૨૦૨૨’ યોજના હેઠળ રાજ્યના ત્રણ મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર એનાયત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ બેઠકમાં કુલ રૂ. ૧૩૭૧.૩૮ કરોડનું મૂડીરોકાણ ધરાવતી ૩ મોટા ઉદ્યોગોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે. જિલ્લાવાર અને સેક્ટરવાર રોકાણની વાત કરીએ તો, ભરૂચ જિલ્લામાં કેમિકલ સેક્ટરમાં રૂ. ૪૯૧.૨૮ કરોડ, હિંમતનગર જિલ્લામાં ફૂડ અને એગ્રો સેક્ટરમાં રૂ. ૪૦૨.૦૮ કરોડ, તથા વડોદરા જિલ્લામાં મિનરલ્સ સેક્ટરમાં રૂ. ૪૭૮.૦૨ કરોડના મૂડીરોકાણને પ્રોત્સાહક સહાય માટે મંજૂરી મળી છે. આ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ રાજ્યના ઔદ્યોગિક માળખાને વધુ સક્ષમ બનાવવામાં અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી વધારવામાં પાયાની ભૂમિકા ભજવશે.
રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે IFP (Investor Facilitation Portal) હેઠળ ઓનલાઇન મોડ્યુલનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહે છે, જેથી કોઈ પણ હાર્ડકોપીની જરૂર રહેતી નથી. એટલું જ નહીં, સરકારના ‘ફીઝીકલ ટચ પોઈન્ટ’ નિવારવાના અભિગમને કારણે અરજીઓનો નિકાલ અત્યંત ઝડપી અને પારદર્શી બન્યો છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટરની આ અરજીઓ પર ૨ મહિનાથી પણ ઓછા સમયમાં કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા એકમોને નેટ એસ.જી.એસ.ટી. (Net SGST), વ્યાજ સહાય અને ઇ.પી.એફ (EPF) રીએમ્બર્સમેન્ટ જેવા લાભો મળવાપાત્ર થશે.
આ બેઠકમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી સ્વરૂપ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના ટેક્ષટાઇલ ક્ષેત્રે નવી ગતિ: ૧૧ એકમોને રૂ. ૨૦૨ કરોડની સંભવિત સહાય મંજૂર
રાજ્યના ટેક્ષટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ સમિતિની છઠ્ઠી બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ‘ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત કરવા માટેની સહાય યોજના-૨૦૧૯’ હેઠળ કુલ ૧૧ નવા એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરીફ સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યમાં રૂ. ૬૬૮.૩૪ કરોડનું નવું મૂડીરોકાણ આવશે અને અંદાજે ૧૪૭૮ જેટલી પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. ઉલ્લેખનીય છે કે, આ મંજૂર થયેલા એકમોને આગામી ૫ વર્ષમાં સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૨ કરોડ જેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જે ગુજરાતના ટેક્ષટાઇલ સેક્ટરને વૈશ્વિક સ્પર્ધામાં વધુ સક્ષમ બનાવશે.

