નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી

નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી


(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.

મહત્વનું છે કે, આ નિર્ણય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે બધા ઉમેદવારોને એકસરખી તક મળતી નહોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને ઉમેદવારોને સમાન તક મળે તે હેતુથી GPSC દ્વારા આ પરીક્ષા રદ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જણાવાયું છે કે, ગત 27 મે 2025ના રોજ લેવાયેલી નાયબ ખેતી નિયામક /જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1ની પરીક્ષા અંગે 28 મેના રોજ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે, આ પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો પુસ્તક-૧ Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક -2 Fundamentals of Agriculture Volume-2માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પુછવામાં આવ્યાં છે. ઉમેદવારોએ કરેલી રજૂઆતની તપાસ કરતાં તેમની રજૂઆત સાચી ઠરી હતી.

આ પરીક્ષા માટે જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત આગામી 31 મેના રોજ લેવાનારી મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષામાં પણ સમાન અભ્યાસક્રમ હોવાથી તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી આ બન્ને ભરતી માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે 28 ઓગસ્ટ 2025ના રોજ લેવામાં આવશે.તેમાં બન્ને જાહેરાતમા ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બન્ને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *