(જી.એન.એસ) તા. 12
અમદાવાદ,
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ જબરદસ્ત ફોર્મમાં રમી રહ્યા છે તે ખુબજ સારી વાત છે. તેણે તાજેતરમાં ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં સદી ફટકારી હતી. આ પછી, તે ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ ODI શ્રેણીમાં પ્રવેશ્યો, જ્યાં તેણે અત્યંત શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. ગિલે ઈંગ્લેન્ડ ની ટીમ સામેની ત્રણેય વનડેમાં 50 થી વધુ રન બનાવ્યા છે. પહેલી ODI મેચ નાગપુરમાં રમાઈ હતી.જેમાં ગિલે 87 રન બનાવ્યા હતા. અહીં તે સદી ફટકારવાની નજીક પહોંચ્યો પણ તે ચૂકી ગયો.આ પછી બીજી વનડે કટકમાં રમાઈ જ્યાં ગિલનું બેટ ફરીથી કામમાં આવ્યું. આ મેચમાં તેણે 60 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. ભારતીય ટીમે આ બંને મેચ જીતી હતી, તે પછી આ શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ગિલે ફરી એકવાર જબરદસ્ત ફોર્મ બતાવ્યું હતું. ગિલ શ્રેણીની પહેલી બે મેચમાં સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ તેણે ત્રીજી વનડેમાં સદી ફટકારી હતી.
અમદાવાદ વનડેમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા આવી હતી. આવી સ્થિતિમાં ગિલ પર સારી શરૂઆત આપવાનું દબાણ હતું. તેણે તે કરી બતાવ્યું અને 95 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ દરમિયાન ગિલે 2 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા. ગિલની વનડેમાં આ 7મી સદી છે. આ ત્રીજી વનડે મેચમાં 102 બોલમાં ત્રણ છગ્ગા અને 14 ચોગ્ગા મારી 112 રન કર્યા બાદ શુભમન ગિલ આઉટ થયો હતો.
આ ઉપરાંત, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી ફટકારી છે. જ્યારે ગિલે T20 આંતરરાષ્ટ્રીયમાં પણ સદી ફટકારી છે. આ રીતે, આ સ્ટાર ઓપનરે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.