ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ


10 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે

(જી.એન.એસ),તા.૦૮

ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી શકશે. રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2025 હતી, જેને વધારીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. લેટ ફી ત્રણ તબક્કામાં રાખવામાં આવી છે—11 થી 14 ડિસેમ્બર દરમ્યાન ₹250, 15 થી 18 ડિસેમ્બર દરમ્યાન ₹300 અને 19 થી 22 ડિસેમ્બર દરમ્યાન ₹350 લેટ ફી રહેશે. શાળા કક્ષાએથી વિદ્યાર્થીની માહિતીમાં સુધારો કરવાની સુવિધા 22 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે અને તેના માટે કોઈ વધારાની ફી ભરવાની નહીં હોય. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ પણ 22 ડિસેમ્બર, રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે. બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ તથા ફી ભરવાની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ, વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જોકે લેટ ફીમાંથી કોઈને મુક્તિ આપવામાં આવનાર નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે. આ સાથે જ ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે. દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *