(જી.એન.એસ) તા. 3
દાંતીવાડા,
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાંથી એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો હતો જેમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા એક યુવકનો પગ લપસી જતાં તે પુલ નીચેના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું કરુણ મોત નિપજ્યું હતુ. મૃતક યુવકની ઓળખ થતાં જાણવા મળ્યું હતુ કે તે ડીસાનો રહેવાસી હતો. 28 વર્ષીય મુકેશભાઈ માળી દશામાના તહેવાર નિમિત્તે પોતાના પરિવાર અને મિત્રો સાથે દાંતીવાડા ડેમના પુલ નીચેની ધરામાં મૂર્તિ પધરાવવા ગયો હતો.
આ દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તેનો પાણીમાં ગરકાવ થયો હતો. આ સમગ્ર ઘટનાથી ત્યાં હાજર લોકોમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાંતીવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બાબતે દાંતીવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આવી ધાર્મિક વિધિઓ દરમિયાન સાવચેતી રાખવી જરૂરિ હોય છે. આવા સમયે આવી કોઈ ઘટના ના બને તેની કાળજી રાખવી પણ જરીરૂ હોય છે. તંત્ર દ્વારા આવા જોખમી સ્થળો પર સુરક્ષાની વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.


