સુરતમાં ગોથાણ બ્રિજ પર બ્રિજ પર ટ્રક ચાલકે 3થી વધુ કારને ટક્કર માર્યા બાદ અન્ય ટ્રક સાથે અથડાઈ
(જી.એન.એસ),તા.૧૧
સુરત
સુરતમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રક ચાલકે ઉમરા ગોથાણ બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જી હતી. ટ્રકે એક-બે નહીં પણ 3થી વધુ કારને ટક્કર મારી હતી, જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે આ ઘટના ઉમરા ગોથાણ બ્રિજ પર બની હતી. બેફામ ગતિએ આવતા એક ટ્રકના ચાલકે સૌપ્રથમ રસ્તા પર ચાલી રહેલી 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. કારોને ટક્કર માર્યા બાદ આ બેકાબૂ ટ્રક અન્ય એક ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગયો હતો, જેના કારણે અકસ્માતની ગંભીરતામાં વધારો થયો હતો.
સદ્દનસીબે, આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ઉમરા ગોથાણ બ્રિજ અને આસપાસના રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. એકસાથે આટલા વાહનોને નુકસાન થવાથી અને ટ્રક રસ્તા વચ્ચે ઊભો રહેવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બેફામ ડ્રાઇવિંગના જોખમો પર ફરી એકવાર સવાલ ઊભા કરે છે.

