(જી.એન.એસ),તા.૧૧
જામનગર
જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપીને શિયાળો ગાળવા જામનગર પહોંચ્યા છે. જામનગરને વિદેશી પક્ષીઓ માટે શિયાળાની રાજધાની માનવામાં આવે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને રણમલ તળાવ આસપાસના વિસ્તારો આ પક્ષીઓના મનપસંદ સ્થળો છે. રણમલ તળાવમાં ‘મલાર્ડ’ નામનું પક્ષી પણ જોવા મળ્યું છે, જે પક્ષીપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
લીલા માથા અને પીળી ચાંચ ધરાવતું બતક જેવું દેખાતું ‘મલાર્ડ’ પક્ષી ઇકોસિસ્ટમમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પક્ષીને નિહાળવા માટે રણમલ તળાવ પર પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે, ઘણા નાગરિકો આ પક્ષીઓને ચણની સાથે ગાંઠિયા પણ ખવડાવે છે, જે પક્ષીઓ માટે અત્યંત હાનિકારક છે. ગત વર્ષે ખોરાકી ઝેરને કારણે ઘણા વિદેશી પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા.
આથી, નિષ્ણાતો, પક્ષીપ્રેમીઓ અને તંત્ર દ્વારા નાગરિકોને પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા સતત અનુરોધ કરવામાં આવે છે. વિદેશી પક્ષીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે આ પગલું જરૂરી છે.

