(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં બિન ખેતી માટેની પરવાનગી માંગતી કુલ ૨,૧૫૪ જેટલી અરજીઓ મળી છે, જેમાંથી રાજ્ય સરકાર દ્વારા ૧,૩૭૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ તાલુકાવાર વિગતો આપતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં મળેલી કુલ અરજીઓમાંથી હિંમતનગર તાલુકામાં ૬૨૭ અરજીઓ, ઈડરમાં ૧૯૮, વડાલીમાં ૮૯, ખેડબ્રહ્મામાં ૫૫, પ્રાંતિજમાં ૨૧૨, વિજયનગરમાં ૦૮, પોશીનામાં ૧૨ અને તલોદ તાલુકામાં ૧૬૯ એમ કુલ ૧,૩૭૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
ઉદ્યોગ મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે બિનખેતી પરવાનગીની સમગ્ર પ્રકિયા ૯૦ દિવસની વૈધાનિક મર્યાદામાં પૂર્ણ કરવાની રહે છે. પરંતુ સેન્ટ્રલ પી.એસ.ઓ. યુનિટ, સચિવાલય, ગાંધીનગર દ્વારા અરજીની પૂર્વ ચકાસણી કરી અરજી હેઠળની વિગતો અને મહેસૂલ રેકર્ડ ચકાસી અરજીને ગ્રીન ચેનલ અંતર્ગત ૧૦ દિવસમાં, યલો ચેનલમાં ૪૫ દિવસમાં અને રેડ ચેનલમાં ૯૦ દિવસની સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે.
રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં રાજ્ય સરકારે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. જેના પરિણામે મહેસૂલ વિભાગ દ્વારા બનાવાયેલા આઇ-ઓરા પોર્ટલ પર જનહિતલક્ષી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરી સરળ, ઝડપી અને પારદર્શી કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.