(જી.એન.એસ) તા. ૧
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ ગાંધીનગરમાં કરાવ્યો હતો. હાઇ-ટેક ચિપ નિર્માતાઓ અને સ્થાનિક ઉદ્યોગ વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપવા “ગુજરાત – ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન” થીમ સાથે રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ઉપક્રમે આ દ્વિદિવસીય કોન્ફરન્સ યોજાઈ છે.
આ કોન્ફરન્સમાં સહભાગી થવા આવેલા વિવિધ ઉદ્યોગ અગ્રણીઓની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી વન ટુ વન બેઠકમાં તેમણે સેમિકોન સેક્ટરમાં R&D સેન્ટર, મેમરી મોડ્યુલ ફેસેલિટી, પાવરચિપ ઉત્પાદન અને સ્પેશિયાલિટી કેમિકલ ફેસેલિટીઝ શરૂ કરવા માટેના ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ધોલેરા અને સાણંદ સહિત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ અને રાજ્યના સરકારના પ્રોએક્ટિવ અભિગમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીને દીપક નાઈટ્રેટના એમડી શ્રી મેઘવ મહેતા, મલેશિયા સ્થિત હોતાયી ઈલેક્ટ્રોનિકના ચેરમેન શ્રી દાતો શેરી લી હંગ લૂંગ, સુચિ-ROHM સેમિકોનના એમડી શ્રી મોકોટો તેરાડા અને સ્થાપક શ્રી અશોક મહેતા, હોરિબા ઇન્ડિયાના શ્રી રાજીવ ગૌતમ તથા એપ્લાઈડ મટિરિયલના સીઓઓ સુશ્રી રાધિકા વિશ્વનાથન આ વન ટુ વન બેઠક અંતર્ગત મળ્યા હતાં.
મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનરશ્રી પી. સ્વરૂપ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે અને સાયન્સ ટેકનોલૉજી સચિવ શ્રીમતિ પી. ભારતી પણ આ વન ટુ વન બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

