(જી.એન.એસ) તા. 23
કડી/વિસાવદર,
ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.
કડી વિધાનસભા બેઠકના પરિણામ આવી ગયા છે. અહીં મત ગણતરી પૂર્ણ થઈ જતાં આખરી આંકડા સામે આવ્યા છે જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યાના અહેવાલ છે. આ ઉપરાંત 1,692 મત NOTAમાં પડ્યા છે. આ માહિતી ચૂંટણી પંચે આપી હતી. જ્યારે વિસાવદરમાં 20મા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીની લીડ 16594 થઈ ચૂકી છે. અહીંથી ગોપાલ ઈટાલિયા જીત નક્કી છે.
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં AAP નાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા 17,581 મતથી જીત્યા છે. તેમને કુલ 75,906 મત મળ્યા છે. જ્યારે, BJP ના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં 5,491 મત જ મળ્યા છે. ચૂંટણી વિજય બાદ ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે! વડાલી ખાતે યોજાયેલ સભામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અધિકારીઓ સુધરી જજો… જેમણે પણ કિરીટ પટેલની ગુલામી કરી છે તે પ્રજાની માફી માગે.
મતગણતરી બાદ જીતેલા ઉમેદવાર આપ ના ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, જેમણે પણ મત આપ્યો છે અને નથી આપ્યો તમામને વંદન. જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તમારી સામે સૌથી મોટો પડકાર હતો. પરંતુ, તમારા વિશ્વાસે મને જીત અપાવી છે. આ મારી નહીં તમારી જીત છે. વિસાવદરની જનતાએ AAP પર ભરોસો મુક્યો તે બદલ આભાર. ઇશ્વર મને કામ કરવાની શક્તિ આપે. સભા પહેલા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, AAP ના તમામ નેતા, કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે. એક તરફ સત્તાનું અભિમાન હતું, બીજી તરફ દુઃખી પ્રજાનાં આશીર્વાદ હતા. મારી યુવનાનો અપીલ છે કે આગળ આવો અને આત્મા જગાડો. આજથી ગુજરાતમાં ક્રાંતિનાં બીજ રોપાઈ ગયા છે.
ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા હતા.


