જગદીશ વિશ્વકર્માની ત્રણ જિલ્લામાં SIRની કામગીરીની સમીક્ષા
(જી.એન.એસ),તા.૧૧
સુરત
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યાના 69 દિવસ બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવ્યા. પ્રમુખ બન્યા બાદની આ તેમની પહેલી સુરત યાત્રા હોવાથી શહેરના ભાજપ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમયગાળા બાદ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતના ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન સુરત ભાજપ કાર્યાલય ખાતે સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને SIRની કામગીરી અંગે તેમણે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરત, તાપી અને ભરૂચ એમ ત્રણ જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ત્રણેય જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પાર્ટી અધ્યક્ષો અને સક્રિય કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખે સીધો સંવાદ સાધીને કામગીરીનો તાગ મેળવ્યો હતો. જોકે, આ મુલાકાતની સૌથી હૃદયસ્પર્શી બાબત પ્રદેશ પ્રમુખની સાદગી રહી હતી. ઉચ્ચ હોદ્દેદારો સાથેની વ્યસ્તતા વચ્ચે પણ તેમણે કાર્યાલયના સામાન્ય કર્મચારીઓને ભૂલ્યા ન હતા. તેમણે સામે ચાલીને ભાજપ કાર્યાલયના સેવક એટલે કે પટાવાળા સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં, કાર્યાલયમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને પણ તેઓ રૂબરૂ મળ્યા હતા અને તેમના હાલચાલ પૂછીને ખબરઅંતર જાણ્યા હતા. તેમની આ સહજતાએ ત્યાં હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા. અંતમાં, જગદીશ વિશ્વકર્માએ પક્ષના પાયાના પથ્થર સમાન કાર્યકરો સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. ત્યાં ઉપસ્થિત ભાજપના જૂના હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકર્તાઓને તેઓ એક પછી એક મળ્યા હતા. સંગઠનાત્મક સમીક્ષા અને કાર્યકરો સાથેના આત્મીય સંવાદ સાથે તેમની આ પ્રથમ સુરત મુલાકાત યાદગાર બની રહી હતી.

