ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા એક વર્ષમાં ૮.૮૨ લાખથી વધીને ૯. ૦૭ લાખ સુધી પહોંચી
ગાંધીનગર,
‘સા વિદ્યા યા વિમુક્તયે’ – એટલે કે વિદ્યા તે છે જે સર્વે બંધનોમાંથી મુક્તિ અપાવે છે. આ ઉક્તિ આજના યુગમાં મહિલાઓના જીવનમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકાને સચોટ રીતે ચરિતાર્થ કરે છે. દર વર્ષે તા. ૮ માર્ચના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ઉજવવામાં આવે છે. માનવ સભ્યતાના અભ્યુદય કાળથી જ ઇતિહાસના નિર્માણમાં નારી શક્તિનું પ્રદાન પાયાનું રહ્યું છે. વૈદિક કાળના પ્રખર તત્વચિંતક ગાર્ગી, મૈત્રેયી, લોપામુદ્રાનું ભારતીય દર્શનશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આ વારસો ઇસરોના ચંદ્રયાન-૩ મિશન માટે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકોમાં પણ દ્રશ્યમાન થાય છે. ચંદ્રયાન-૩ મિશનના લોન્ચ સમયે ઇસરોના મિશન મોનિટરિંગ કેન્દ્રમાં પરંપરાગત ભારતીય પરિધાનમાં કાર્યરત મહિલાઓ સ્પેસ ઇજનેર અને વૈજ્ઞાનિક તરીકેની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. આ દૃશ્ય ટેકનોલોજીકલ સફળતાનું પ્રતિક નહોતું, પરંતુ તે ભારતની મહિલાઓની ક્ષમતા, આત્મવિશ્વાસ અને સમર્પણનું પ્રેરણાદાયક પ્રતિબિંબ હતું. આ ક્ષણ દરેક ભારતીયની સ્મૃતિમાં ગૌરવપૂર્ણ રીતે આજે પણ સચવાયેલી છે.
આધુનિક સમયમાં મહિલાઓ તમામ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાતના શૈક્ષણિક સૂચકાંકોમાં વૃદ્ધિ થઇ રહી છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીનીઓના પ્રવેશમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સામાજિક આર્થિક સમીક્ષા ૨૦૨૫-૨૬ મુજબ રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વર્ષ ૨૦૨૩-૨૪માં ૮.૮૨ લાખ હતી જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૯. ૦૭ લાખ થઇ છે. આ ઉપરાંત મહિલા શિક્ષકોની સંખ્યા વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૧,૨૫૯ હતી જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૩,૭૮૫ થઇ છે. ટેકનીકલ શિક્ષણમાં વિદ્યાર્થીનીઓની પ્રવેશ સંખ્યામાં ક્રમિક વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૨-૨૩ વિધાર્થીનીઓની સંખ્યા ૨૪,૭૩૨ હતી જે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૧,૮૮૭ થઇ છે.
અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણ ૨૦૨૧-૨૨ મુજબ દેશમાં ઉચ્ચ શિક્ષણ સ્તર પર વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત(STEM) વિષયોમાં કુલ નોંધણીમાં મહિલાઓની ૪૩ ટકા ભાગીદારી છે. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રકાશિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેટેસ્ટિક રિપોર્ટ-૨૦૨૩ અનુસાર, દેશમાં સંશોધન અને વિકાસ પ્રવૃતિમાં STEM પ્રોફેશનલ તરીકે કાર્યરત કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી ૧૮.૬ ટકા છે. અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણ ૨૦૨૧-૨૨ પ્રમાણે જેન્ડર મુજબ એનરોલમેન્ટની સંખ્યામાં ગુજરાત દેશના અગ્રણી ૧૦ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આ સર્વે મુજબ રાજ્યમાં અનુસ્નાતક કક્ષાએ ૧,૧૮,૭૪૭ અને પીએચ.ડી. કક્ષાએ ૩,૭૩૪ મહિલાઓનું એનરોલમેન્ટ થયું છે.
‘સશક્ત મહિલા, સમૃદ્ધ ગુજરાત’અભિગમ મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તીકરણ દ્વારા રાજ્યના વિકાસને વધુ વેગ આપશે.

