વાલીઓ માટે મહત્વના સમાચાર
(જી.એન.એસ) તા.2
ગાંધીનગર,
નાની વયના બાળકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સરળ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવી છે જેના હેઠળ ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક (પ્રી-પ્રાઇમરી) શાળાઓ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેનાથી શાળાઓના સંચાલકો અને વાલીઓને મોટી રાહત મળી છે. આ નવા નિયમો ખાસ કરીને પ્રવેશ માટેની વયમર્યાદા સંબંધિત છે. જે અગાઉના કડક નિયમો સામે સંચાલકોના વિરોધ બાદ હળવા કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા નિયમો મુજબ, હવે બાળકોને જુનિયર કે.જી, સિનિયર કે.જી, અને બાલવાટિકામાં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- જુનિયર કે.જી : જે બાળકોએ 4 વર્ષ પૂર્ણ ન કર્યા હોય, તેમને જુનિયર કે.જી.માં પ્રવેશ આપી શકાશે.
- સિનિયર કે.જી. : જે બાળકોની ઉંમર 4 વર્ષથી વધુ હોય તેમને સિનિયર કે.જી.માં પ્રવેશ મળશે.
- બાલવાટિકા : જે બાળકો 5 વર્ષથી વધુ ઉંમરના હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપી શકાશે.
આ ફેરફારોથી વાલીઓ અને સંચાલકોને મોટી રાહત મળી છે, કારણ કે, અગાઉની કડક વયમર્યાદાને કારણે ઘણા બાળકો પ્રવેશથી વંચિત રહી જતા હતા.
બિન અનુદાનિત શાળાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત
આ નવા નિયમો હેઠળ, તમામ પૂર્વ પ્રાથમિક બિન-અનુદાનિત સંસ્થાઓ (Private Pre-Primary Schools) માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાનો હેતુ આવી શાળાઓના કાર્યપદ્ધતિ પર દેખરેખ રાખવાનો અને શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવાનો છે. આ નિયમથી પૂર્વ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં પારદર્શિતા આવશે અને બાળકોને વધુ સારું વાતાવરણ મળી રહેશે. અગાઉ, કડક નિયમો અને વયમર્યાદાની જોગવાઈઓ સામે શાળાઓના સંચાલકોએ ચીરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને ધ્યાનમાં લઈને સરકારે આ નિયમોમાં ફેરફાર કરીને વાલીઓ અને શાળાઓ બંનેને સંતોષ થાય તેવો માર્ગ અપનાવ્યો છે.
શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, ગુજરાતમાં આવેલી હયાત તથા નવી શરુ કરવામાં આવનાર તમામ બિન અનુદાનિત પૂર્વ-પ્રાથમિક સંસ્થા (Private Pre-primary school)એ ફરજિયાત નોંધણી કરવાની રહેશે. જેમાં સેલ્ફ-ડિક્લેરેશન સાથે 10 હજાર રજિસ્ટ્રેશન ફી ભરીને dpe-preprimaryreg.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકાશે.


