(જી.એન.એસ) તા. ૯
રાજકોટ,
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં શ્રી તા. ૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ ૪,૧૫૭ અરજી મળી છે, જે તમામ અરજીઓની બેન્કમાં ભલામણ કરવામાં આવી છે. જે પૈકી બેન્કો દ્વારા કુલ ૨,૯૧૩ અરજી મંજૂર કરીને લાભાર્થીઓને લોનનો લાભ આપવામાં આવ્યો છે.
તેવી જ રીતે, કચ્છ જિલ્લામાં પણ આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ૧,૯૧૯ અરજીઓ મળી છે. તે પૈકીની ૧,૯૧૫ અરજીઓની બેન્કને ભલામણ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બેન્કો દ્વારા કુલ ૧,૪૬૩ લાભાર્થીઓની અરજી મંજૂર કરીને લોનનો લાભ આપવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત અગાઉ રૂ. ૮ લાખ સુધીની લોન અને તેના પર રૂ. ૧.૨૫ લાખની મર્યાદામાં સબસીડી સહાય આપવમાં આવતી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ લોનની મર્યાદા હવે વધારીને રૂ. ૨૫ લાખ તેમજ લોન પર સબસીડી સહાયની મર્યાદા વધારીને રૂ. ૩.૭૫ લાખ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ નાગરિકોને નાના ધંધા- ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે લોન અને સબસીડી સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષની વયના અને લઘુત્તમ ધોરણ-૪ પાસ અથવા તાલીમ/અનુભવ ધરાવતા ગુજરાતના કોઈપણ નાગરિક લઈ શકે છે, જેમાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ blp.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી રાષ્ટ્રીયકૃત કે સહકારી બેંકો દ્વારા લોન મેળવી આત્મનિર્ભર બની શકે છે.

