કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ

(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના જેતલપુર ખાતે એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે એડીસી બેંક દ્વારા ‘બી અવેર, બી સિક્યોર’ના મંત્ર સાથે શરૂ કરવામાં આવનાર સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું તેમજ જેતલપુર સેવા સહકારી મંડળીના સુપર મોલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો આવ્યો હતો.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅંકના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, ૨૫ વર્ષ પહેલાં એડીસી બૅંક ખોટમાં ચાલતી હતી, ત્યારે ખેડૂતો અને પશુપાલકોએ મારા પર વિશ્વાસ મૂકી મને બૅંકનો ચેરમેન બનાવ્યો હતો. એ વખતે સૌના સાથ-સહકાર અને સુચારુ આયોજન થકી એક જ વર્ષમાં બૅંક ખોટ પૂરીને નફો કરતી થઈ. ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું અને ગયા વર્ષે બૅંકે ૧૦૦ કરોડનો નફો કર્યો છે.

શ્રી અમિતભાઈએ કહ્યું કે, આ નાના માણસની મોટી બૅંક છે. ખેડૂતો અને પશુપાલકોની પાંચ પેઢીઓએ પોતાના પરસેવાથી આ બૅંકને સીંચી છે અને બૅંકને ઝીરો નોન પરફોર્મિંગ એસેટ્સવાળી બૅંક બનાવી છે. છેલ્લાં ૨૫ વર્ષમાં બૅંકે અનેક નવા આયામો અને શિખરો સર કર્યાં છે દેશની ૨૬૦ સહકારી બૅંકોમાંથી રિઝર્વ બૅંકની ગાઇડલાઇન પ્રમાણે ૧૦૦ ટકા ઈ-બૅંન્કિંગ લાગુ કરનારી એકમાત્ર બૅંક છે. આજે બૅંકનું ટર્નઓવર રૂ. ૧૭ હજાર કરોડથી પણ વધુનું થયું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ કહ્યું કે, એડીસી બૅંકે અનેક ઉતારચઢાવ જોયા છે, પણ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી પ્રામાણિકતાથી નિભાવી છે. તેમણે કહ્યું કે એડીસી બૅંકે માત્ર ધિરાણ જ નહીં, પરંતુ સેવાના ક્ષેત્રે પણ વિસ્તાર-વિકાસ કર્યો છે અને સ્વાસ્થ્ય, સેવા અને સહકારને આવરી લેતાં અનેક કાર્યો આ બૅંકે કર્યા છે.

દેશમાં પ્રથમ સહકાર મંત્રાલયના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અંગે વાત કરતાં શ્રી શાહે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશમાં સહકારિતાની ઝૂંબેશ શરૂ કરવાનું કામ કર્યું છે અને દેશમાં સહકાર મંત્રાલય શરૂ થયા બાદ અત્યાર સુધીમાં વિવિધ ૬૦ જેટલી પહેલ પણ કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડીને આ ક્ષેત્રનો વિકાસ કરવાનું આયોજન છે.

સહકાર ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે તેમ જણાવી શ્રી અમિતભાઈએ કહ્યું કે આજે મંડળીઓ સસ્તી દવાની દુકાન, ગેસ વિતરણ, પેટ્રોલ પંપ, સસ્તા અનાજની દુકાન, ગોડાઉન અને જળ વ્યવસ્થાપન જેવાં કામો કરે છે. ભવિષ્યમાં વાહનચાલકો માટે પણ કૉ-ઑપરેટિવ મૂવમેન્ટ અને બીજ ઉત્પાદન સહિતનાં ક્ષેત્રોને પણ જોડવામાં આવશે જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅંક જેવી સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી તેમજ નાનામાં નાના માણસને લોન મળી રહે તેવી વ્યવસ્થા કરવા બૅંકના હોદ્દેદારોને સૂચન કરી બૅંકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને અંત્યોદયના ઉત્થાનનો નવો ઇતિહાસ રચાયો છે.

તેમના માર્ગદર્શનમાં ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને સાકાર કરતા સૌને સાથે લઈને પરસ્પર સહકારથી આગળ વધવાની એક સર્વગ્રાહી વિકાસ પરંપરા દેશમાં વિકસી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે,  વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમ વખત શરૂ કરાયેલા સહકારિતા મંત્રાલયે ‘સહકાર સે સમૃદ્ધિ’ના સૂત્ર સાથે એક નવી દિશા આરંભી છે.

દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે  સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં સહકારી બેંકોમાં ડિજિટલ બેંકિંગ સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. દેશમાં વિવિધ ૨૯ ક્ષેત્રોમાં ૮ લાખ જેટલી સહકારી સંસ્થાઓના સુચારું વ્યવસ્થાપન થકી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે.

પહેલા કો-ઓપરેટિવ બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કંટ્રોલમાં નહોતી, તેને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈના પ્રયાસોથી આર.બી.આઈ.ના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી છે. જેથી સમગ્ર દેશમાં સહકારી બેંકો પહેલાથી વધુ સ્પર્ધાત્મક અને પારદર્શક બની છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવાનું છે એ વાત નિશ્ચિત છે. દેશના અર્થતંત્રને આ સ્થાને પહોંચાડવામાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની ભૂમિકા મહત્વની રહેવાની છે.

કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં એડીસી બેંકની ભૂમિકા અને કામગીરી વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,  કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં ૧૦૦ વર્ષથી કાર્યરત એવી એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ આજે પૂર્ણ થઈ રહ્યો છે. ૧૯૨૫માં શરૂ થયેલી એડીસી બેંક નેશનલાઈઝ્ડ બેન્કના વ્યાપ વચ્ચે પણ આગવી વિશ્વસનીયતા ધરાવતી સહકારી બેંક તરીકે ૧૦૦ વર્ષ સફળતાથી પૂર્ણ કરે તે એક ઐતિહાસિક બાબત છે.

ADC બેંકને શ્રી અમિતભાઈના કો-ઓપરેટીવ સેક્ટરના નેતૃત્વ અને અનુભવનો લાભ સુપેરે પ્રાપ્ત થયો છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક શ્રી અમિતભાઈના નેતૃત્વના પ્રથમ વર્ષથી જ નફો કરતી બેંક બની ગઈ હતી. શ્રી અમિતભાઈ શાહે સતત છ વર્ષથી NPA વધતાં મોટી રકમના બૂકલોસમાં આવી ગયેલી ADC બેંકને પોતાની આગવી સૂઝ, કુનેહ અને વહીવટી કુશળતાથી બેંકને લોસમાંથી પ્રોફિટ કરતી કરી હતી.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના નિર્માણને સાકાર કરવાની દિશામાં શરૂ કરાયેલા ‘એક પેડ માં કે નામ’, ‘કેચ ધ રેઈન’ અને ‘સ્વચ્છ ભારત’ જેવા અભિયાનોમાં એડીસી બેંક અને સૌ સભાસદોને ઉત્સાહપૂર્વક સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની સહકારિતા સંસ્થાઓમાંની શ્રેષ્ઠ સંસ્થા એટલે એ. ડી.સી બેન્ક , જેને “સહકારથી સમૃદ્ધિ” સાથે “આત્મ નિર્ભર ભારતના” સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, સહકારીતા ક્ષેત્રને ૩૬૦ ડીગ્રીએ બદલવાની નેમ સાથે ૫૪ જેટલા નવા આયામો સાથે યુનો દ્વારા જાહેર થયેલ સહકારિતા આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી થઈ રહી છે. તેમણે દેશના સહકારીતા વિકાસની સાથે રાજ્યમાં સહકાર ક્ષેત્રનું  રૂપિયા ૦૪ લાખ કરોડના ટર્નઓવરથી ગામડાઓ સમૃદ્ધ થઈ રહ્યા છે, તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે એડીસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, શ્રી અમિતભાઈ શાહની દીર્ઘ દ્રષ્ટિના પરિણામે ઉત્તરોત્તર પ્રગતિ કરતા આજે એડીસી બેંક દેશની અગ્રણી બેંકોમાં સ્થાન પામી છે. દેશને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એડીસી બેંક અને સહકાર ક્ષેત્ર નોંધપાત્ર યોગદાન આપશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટીવ બેંક લિ. તેની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે. આ પ્રસંગે બેંકની સિદ્ધિઓ, કામગીરી અને સમાજસેવાની પ્રવૃત્તિઓ દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.

દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

આ પ્રસંગે વિવિધ સેવા સહકારી મંડળીઓના પૂર્વ ચેરમેનશ્રીઓ દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટીવ બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહમાં સાંસદશ્રી હર્ષદભાઈ પટેલ અને શ્રી મયંકભાઇ નાયક, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, વાગરાના ધારાસભ્યશ્રી, એડીસી બેંકના વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ, સહકાર સેલના કન્વિનર શ્રી બિપીન પટેલ, સહકાર સચિવ શ્રી સંદિપ કુમાર, બેંકના હોદ્દેદારો, ડિરેક્ટર્સ, સીઈઓ, એજીએમ, કર્મચારીશ્રીઓ, ખાતેદારો, વિવિધ મંડળીઓના ચેરમેન અને સભ્યશ્રીઓ, જેતલપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રી આત્મપ્રકાશદાસજી, સહકારી આગેવાનો, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *