કેન્દ્રના વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જી લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત ૧૦૦ GWથી વધુની ક્ષમતા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ-ઊર્જા મંત્રીશ્રી કનુ દેસાઈ

કેન્દ્રના વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જી લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત ૧૦૦ GWથી વધુની ક્ષમતા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ-ઊર્જા મંત્રીશ્રી કનુ દેસાઈ


ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

(જી.એન.એસ) તા. 26

ગાંધીનગર,

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની અંદાજપત્રીય માંગણી

પરની ચર્ચામાં વિધાનસભા ખાતે સહભાગી થતાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે,ગુજરાતના પનોતા પુત્ર અને  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.વિકાસની આ વણથંભી યાત્રાને સતત ચાલુ રાખવા મક્કમ અને નિર્ણાયક એવા  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર સંકલ્પબદ્ધ છે.

મંત્રી શ્રી કનુભાઈએ કહ્યું હતું કે, મને જણાવતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વીતરણ કંપનીઓમાં સેવા અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી અને એમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+રેટિંગ મળેલ છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપની અનુક્રમે ૧, ૨ અને ૩ ક્રમે આવી છે અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવી છે.આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર દ્વારા બેસ્ટ ટ્રાન્સમીશન યુટીલીટીમાં જેટકોને સી.બી.આઇ.પી. એવોર્ડ ૨૦૨૪ આપવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે,સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જની વિપરીત અસરોનો સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વ નેતા અને માનનીય વડાપ્રધાનશ્રી મોદીજીએ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કોલસો ગેસ જેવા પ્રદૂષણ કરતા બળતણનો ઉપયોગ ઓછો કરવા અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ‘ગ્રીન ગ્રોથ’ પર ખાસ ભાર મૂક્યો છે.

વધુમાં ભારત સરકાર દ્વારા વર્ષ-2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્યાંક નકકી કર્યો છે. જેને પહોંચી વળવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ ગુજરાત પણ અંદાજીત 100 ગીગાવોટ કરતાં વધુ કેપેસીટી સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. જેનાથી રાજયના સસ્ટેનેબલ વિકાસ અને ઊર્જા સુરક્ષાને વેગ મળશે તથા સસ્તા દરે વીજળી પણ ઉપલબ્ધ થશે.

આપણે ભારતના ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બનના આયોજનમાં ઘણા આગળ વધ્યા છીએ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને ઝીરો કાર્બન કરવાનું આયોજન છે તેમ,શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.

મંત્રી શ્રી કનુભાઈએ કહ્યું કે,

સમગ્ર ભારતમાં સ્થપાયેલ ૪૮,૫૮૮ મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો પૈકી ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે ૧૨,૫૮૪ મેગાવોટ છે, જે સમગ્ર દેશમાં સ્થપાયેલ વિન્ડ પ્રોજેકટના ૨૬ ટકા જેટલી એટલે કે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. તદુપરાંત, ગુજરાતમાં સ્થાપિત સોલાર પ્રોજેક્ટોની વીજક્ષમતા આશરે ૧૮,૧૨૫ મેગાવોટ છે, જે દેશમાં સ્થપાયેલ સોલાર પ્રોજેકટના ૧૮ ટકા જેટલી છે. રાજ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોની કુલ સ્થાપિત ક્ષમતા ૩૨,૯૨૪ મેગાવોટ છે જે સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા ૨,૧૪,૬૭૭ મેગાવોટની સાપેક્ષે ૧૫ ટકા જેટલી છે. જે રાજ્ય સરકારની દૂરંદેશી નીતિ તથા સક્ષમ નેતૃત્વની દૂરોગામી અસર દર્શાવે છે.

તેમણે ગર્વ સાથે કહ્યું હતું કે, રાજયમાં યોજાયેલ ગ્લોબલ RE – ઇન્વેસ્ટ સમિટ ૨૦૨૪માં ભારત સરકારના  MNRE દ્વારા વિન્ડ અને સોલાર પાવર ક્ષમતા ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન પ્રદાન કરવા બદલ ગુજરાતને હાઈએસ્ટ એચીવર સ્ટેટના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. રીન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનામાં સરળીકરણ અને પારદર્શીતા માટે અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ મારફતે સિંગલ વિન્ડો કલીઅરન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેના કારણે રીન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનાને વધુ વેગ મળશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ કરવામાં આવેલા મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં પણ ગુજરાત મહત્તમ યોગદાન આપશે.

તેમણે કહ્યું કે,મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ દેશની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનું યોગદાન આપી શકે તે માટે  મોદીએ પી.એમ. સૂર્ય ઘર યોજના જાહેર કરી છે. જે થકી સમગ્ર દેશમાં ૧ કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવાનું આયોજન છે.

મંત્રીશ્રીએ આનંદ સાથે કહ્યું કે, આ યોજના અંતર્ગત ગુજરાતમાં  કુલ ૩ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે, જે દેશના ૪૦ ટકા છે,જેમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,

રાજયની પોતાની ‘સૂર્ય ગુજરાત યોજના’ હેઠળ રાજયમાં ૫. ૨૧ લાખ ધરો ઉપર સોલાર રૂફટોપ સ્થાપિત  કરી  ૨૦૭૩ MW વીજળી પેદા કરવામાં આવી રહી છે. જે દેશમાં ૮૨ ટકા સાથે પ્રથમ સ્થાને છે. હવે, પી.એમ. સૂર્ય ઘર યોજનાનો મહત્તમ લાભ લઈ રાજયમાં વધારેમાં વધારે સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં આવશે. જેનાથી રાજયના નાગરિકોને વીજ બિલમાં પણ રાહત થશે.

આ યોજનાનો મહતમ લાભ રાજ્યના ગ્રાહકોને મળે અને તેઓને સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી ૬ kW સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા મીટરીંગ અને કનેકટીવીટી ચાર્જમાં પ્રતિ કનેક્શન રૂ.૨,૯૫૦ની રાહત આપવા કુલ રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,અમારી સરકારે ગ્રાહકલક્ષી નિર્ણય કરીને રાજયના ૧.૫ કરોડ ગ્રાહકોને માર્ચ- ૨૦૨૪માં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ ૫૦ પૈસાની રાહત આપી છે. જેનાથી તા.૦૧.જાન્યુઆરીથી  ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન રૂ.૧૦૫૭ કરોડથી વધુ રકમની રાજયની જનતાને વીજ બીલમાં રાહત આપવામાં આવી છે.  ત્યારબાદ ફરી એક વાર ડિસેમ્બર-૨૦૨૪ માં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી તા.૦૧  ઓક્ટોબર  ૨૦૨૪થી  ૩૧ ડિસેમ્બર.૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન રૂ. ૯૪૭ કરોડથી વધુ રકમની વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવામાં આવી છે.

આમ, રાજ્ય હસ્તકની વીજ કંપનીઓના વીજ ગ્રાહકોને વીજ બીલમાં સરેરાશ રૂ.૨,૦૦૦ કરોડથી વધુની રાહત આપી છે, જે હજુ પણ ચાલુ છે તેમ‌તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી દેસાઈએ‌જણાવ્યું હતું કે,

વર્ષ-૨૦૦૨માં ગુજરાત રાજ્યનો per capita વીજ વપરાશ ૯૫૩ યુનિટ હતો જે આજે વર્ષ ૨૦૨૪ માં વધીને ૨૪૭૯ યુનિટ થયો છે. જેની સામે દેશનો per capita વીજ વપરાશ ૧૩૩૧ યુનિટ છે. જે બતાવે છે કે, ગુજરાતમાં ખેતી, ઉધોગ તથા શહેરીકરણને લીધે વીજ વપરાશમાં વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૦૨ માં રાજયની મહત્તમ વીજ માંગ ૭,૭૪૩ MW હતી જે વધીને આજે ૨૫,૫૦૨ MW થઈ છે. આમ, છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન વીજ માંગમાં ૩૨૯ ટકાનો વધારો થયો છે. આટલા મોટા પ્રમાણમાં વીજ માંગ હોવા છતાં પણ અમે વિના વિક્ષેપ રાજયના નાગરિકોને સતત અને ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હજુ પણ સતત વધતી આર્થિક વિકાસની ગતિ તેમજ સામાજિક સુવિધાઓને લીધે વીજળીની જરૂરિયાતમાં ઘણો વધારો થવાનો અવકાશ છે જેને પહોંચી વળવા અમે આગોતરા આયોજનો કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે,રશિયા  અને યુક્રેન યુદ્ધ દરમિયાન કોલસા અને ગેસના ભાવમાં ખૂબ જ વધારો થયો હોવા છતાં સરકારે રાજયમાં વીજ કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ ન થવા દઇ રાજયના ખેડૂતો સહિતના તમામ ગ્રાહકોને સતત વીજ પુરવઠો પૂરો પાડયો છે.

તેમણે કહ્યું કે,રાજયની વિવિધ ઔધોગિક સંસ્થાઓની રજૂઆતોના અનુસંધાને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બર

૨૦૨૪ના રોજ વીજ સપ્લાય કોડ ૨૦૧૫માં જરૂરી ફેરફાર કરી LT કનેકશન માટેના વીજ ભારની મર્યાદા ૧૦૦ KW થી વધારી ૧૫૦ KW કરી છે. આ સુધારાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે જે રાજયની આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપશે અને નવી રોજગારીનું સર્જન કરશે.

તેમણે કહ્યું કે,રીન્યુએબલ એનર્જી દરેક સમયે ઉપલબ્ધ ન હોવાના કારણે ગ્રીડની સલામતી તથા વિશ્વસનીય વીજળી પૂરી પાડવા ફોસીલ ફયુઅલ આધારિત થર્મલ પાવર પ્રોજેકટસની પણ જરૂરીયાત રહે છે. આવનારા સમયમાં વધતી વીજ માંગને પહોંચી વળવા માટે, GUVNL દ્વારા ૨૪ x ૭  વીજળીના પુરવઠાને સુનિશ્ચિત કરવા વર્ષ ૨૦૩૦ સુધીમાં વિવિધ પાવર પ્રોજેક્ટ્સ દ્વારા આશરે ૩૭૬૦૯ MW (૨૫૭૧ MW-થર્મલ, ૫૪૬ MW-હાઈડ્રો, ૭૮૬૧ MW-વિન્ડ તથા ૨૬,૬૩૧ MW-સોલાર) વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાનું આયોજન છે.

આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ થકી ૨૪૦૦ મેગાવોટની વીજ ક્ષમતા વધારવાનું આયોજન છે.

રાજય સરકાર હસ્તકના જાહેર સાહસ GMDC ને ઓરીસ્સા રાજયમાં કુલ-૨ કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવેલી છે. જે અંતર્ગત સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ થકી ૪૪૦૦ મેગાવોટની વીજ ક્ષમતા પ્રાપ્ત કરવાનું આયોજન છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,રાજયમાં ઉપલબ્ધ લિગ્નાઇટના જથ્થાનો ઉપયોગ કરી વાપરી આશરે ૧૨૫૦  મેગાવોટ લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટ કચ્છ, ભાવનગર તેમજ ભરૂચ ખાતે નાંખવાનું આયોજન છે.

તેમણે કહ્યું કે,અમારી સરકાર હંમેશા ખેડૂતોની સાથે ખડે પગે ઉભી રહી છે. ખેડૂતોને ૯૦ ટકાથી વધુ રાહત દરે વીજળી પુરી પાડવી, ઇલેકટ્રીસીટી ડયુટી ભરવામાંથી માફી આપવી તેમજ રાહતદરે વીજ કનેકશન આપવું જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમે અમલમાં મુકી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વિજળી આપવા વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં રૂ. ૨,૧૭૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવા ખૂબજ મહત્વની બાબતો જેવી કે હયાત વીજ માળખાનું સુદ્રઢીકરણ અને દિવસ દરમિયાન વીજ માંગને સંતોષવા માટે જરૂરી વીજ ઉત્પાદન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાત ૯૭ ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના ખેડૂતોને  સાચા અર્થમાં રાતના ઉજાગરામાંથી મુક્તિ મળી છે.

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્યમાં કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ-સુફલામ અંતર્ગતની ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઇ માટે વીજ જોડાણ આપવાની ખેડૂતોની રજૂઆત હતી. આ રજૂઆતના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સરફેસ વોટરનો ઉપયોગ કરવા ખેડૂતોને ખેતરમાં વધુ એક પ HPનું વીજ જોડાણ આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો અનેક ખેડૂતો લાભ લઈ રહ્યા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહે તે માટે જર્જરિત વીજવાયરો અને આનુષાંગિક ઉપકરણો બદલવાની કામગીરી ઉપરાંત ખેતીવિષયક ફીડરોનાં વિભાજનની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

પી.એમ. કુસુમ યોજના વિશે જણાવતા ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે આ યોજના અંતર્ગત જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પીયત માટે ડિઝલથી ચાલતા પંપસેટને બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ એલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે વનવિસ્તારના સામાન્ય યોજનાના અરજદારો કે જેમને હયાત ગ્રીડથી પરંપરાગત વીજજોડાણ આપવું ટેકનો-કોમર્શિયલ વાયેબલ ન હોય તે વિસ્તારના અરજદારોને સોલાર પંપ સેટ માટે ફાળો નહિવત ભરવાનો તેમજ બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડીરૂપે આપવામાં આવે છે. આદિજાતિ યોજનાના અરજદારોએ કોઇ ફાળો ભરવાનો રહેતો નથી. આ યોજના માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧૦૩.૪૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે આદિજાતિ વિસ્તાર પેટા યોજના હસ્તકની કુટીર જ્યોતિ યોજનામાં હળવા દબાણની વીજ રેષાથી ૧૦૦ મીટર આવેલા આદિજાતિ વિસ્તારમાં વસતા અનુસુચિત જનજાતિના લાભાર્થીઓના ઘર વપરાશના વીજ જોડાણ આવરી લેવામાં આવતા હતા. હવે હળવા દબાણની વીજ રેષાથી ૧૦૦ મીટર મર્યાદાને દૂર કરવામાં આવી છે, જેથી આદિજાતિ વિસ્તારમાં વસતા અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને ઘર વપરાશનો વીજ પુરવઠો પૂરો પાડવામાં સરળતા રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

સાગરખેડૂ વિકાસ યોજના વિશે મંત્રીશ્રીએ કહ્યું કે ટ્રાન્સમિશન નેટવર્કના સુદ્રઢીકરણ માટે રૂ. ૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારોમાં અંદાજે રૂ. ૫૦૯ કરોડના ખર્ચે ૧૬,૫૭૦ કૂવાનું વીજળીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આદિજાતિ વિસ્તારોમાં ૧૨ નવા સબસ્ટેશનો બનાવવા અને તેને સંલગ્ન વીજ પ્રવહન લાઈનોની કામગીરી માટે રૂ. ૧૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તદ્પરાંત અનુસૂચિત જાતિના અંદાજીત ૫,૩૯૫ લાભાર્થીઓના ઘરોનું વીજળીકરણ કરવાનું આયોજન પણ કરાયું છે. આમ વર્ષ ૨૦૨૫-૨૬માં અનુસૂચિત જાતિના અંદાજીત ૭૦૫ ખેડૂતોને ખેતીવિષયક વીજજોડાણ આપવાનું આયોજન કરાયું છે.

મંત્રીશ્રીએ કહ્યું કે કાર્યક્ષમ વીજ વિતરણથી રાજયના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણાવત્તાયુકત વીજ પુરવઠો મળે તે માટે કેન્દ્ર સરકારે રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ-RDSS જાહેર કરી છે. આ સ્કીમ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ. ૯૩૫.૬૨ કરોડની જોગવાઇ કરી છે. RDSS યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાષ્ટ્રીય સ્તરે વિજ વિતરણ લોસ ૧૨ થી ૧૫ ટકા તેમજ ગુજરાતમાં ૧૦.૫૦ ટકા સુધી ઘટાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે વિસ્તારોમાં રસ્તાઓના વિસ્તૃતીકરણ અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ હયાત વીજ વિતરણ રેષાઓ અને સંલગ્ન વીજમાળખાનું શીફ્ટીંગ-રીપ્લેસમેન્ટ કરવા માટે ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર શિફ્ટિંગ સ્કીમ-DISS યોજના માટે અંદાજપત્રમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, તેમજ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા અને જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલમાં તબદીલ કરવા બજેટમાં રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

ટ્રાન્સમિશન નેટવર્ક વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૨ પહેલાં દર વર્ષે ૧૬ થી ૧૭ સબસ્ટેશન બનતા હતા, જ્યારે હાલમાં રાજ્ય સરકાર છેલ્લા ૧૨ વર્ષથી દર વર્ષે અંદાજે ૯૫ જેટલા સબસ્ટેશનો બનાવે છે. જે આગામી વર્ષે ૩,૧૭૦ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન તથા ૯૬ સબસ્ટેશનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રૂ. ૬,૮૩૦.૫૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત અને ભારે વરસાદને કારણે અવિરત અને વિશ્વસનીય વીજ પુરવઠો પૂરો પાડવો પડકારજનક બની રહે છે. જે માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિઝાસ્ટર રેઝિલિયન્ટ અંતર્ગત વીજ વિતરણના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત ૨૦૪૭ પહેલના ભાગરૂપે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન અપનાવવાના અને જાહેર ચાર્જિંગ સ્ટેશન્સની સંખ્યા વધારવાના ઉદ્દેશ્ય સાથે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં મોટી સંખ્યામાં ઈ.વી. ચાર્જિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વચ્છ ઊર્જા,નવીનતા અને ક્ષમતા નિર્માણ માટે ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-GETRIને રૂ. ૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના થકી ગ્રીન જોબ્સ માટે ક્ષમતા નિર્માણ થશે તેમજ નવીનતમ પાયલટ પ્રોજેકટ જેવા કે માઇક્રોગ્રીડ એપ્લિકેશન્સ, એનર્જી સ્ટોરેજ અને ટેકનો-કોમર્શીયલ શકયતાઓનો અભ્યાસ પણ થઇ શકશે. 

મંત્રીશ્રીએ કહ્યું કે ઔદ્યોગિક ફિડરને ગ્રીન ફિડર બનાવવા અંગેનો પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાત રાજ્યમાં શરૂ થાય તે હેતુસર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલને પરિણામે ઉધોગો ગ્રીન ઊર્જાના વપરાશ તરફ આગળ વધશે તેમજ રાજ્યને ઉર્જા સંગ્રહના લક્ષ્યાંકને પહોચી વળવામાં મદદ મળશે.

આપણા દેશની એલ.એન.જી. ટર્મિનલ રી-ગેસિફિકેશન ક્ષમતા ૫૨.૭ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. જે પૈકી અંદાજે ૬૨ ટકા એટલે કે ૩૨.૬૭ મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા ગુજરાતમાં કાર્યરત કરવામાં આવી છે. આમ સમગ્ર દેશમાં આયાત થતા એલ.એન.જી.નો ૭૫ ટકા હિસ્સો એકલા ગુજરાતનો છે,એમ ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ-GSPC એ ભારતની બીજા ક્રમની સૌથી મોટી ગેસનો વેપાર કરતી કંપની છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ફેબ્રુઆરી માસ સુધીમાં GSPC એ ૧૩.૨૭ મીલીયન સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર પ્રતિદિન કુદરતી ગેસનું વેચાણ કર્યું છે. 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારતની સૌથી મોટી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ લિમિટેડ-GGL એ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ભારતભરમાં આશરે ૪૨,૫૨૮ કિલોમીટર લાંબા શહેરી ગેસ વિતરણનું નેટવર્ક સ્થાપ્યું છે તેમજ ૮૨૫ CNG સ્ટેશન સ્થાપ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડ દેશભરમાં પાઇપ્ડ કુદરતી ગેસનું આશરે ૨૧,૬૪,૮૦૨ ઘરેલું ગ્રાહકોને વિતરણ કરે છે તેમજ આશરે ૪,૪૬૯ ઔદ્યોગિક એકમ અને આશરે ૧૪,૯૨૦ વ્યાપારી એકમને ગેસ પુરો પાડે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં આજે પસાર  કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *