એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી


વાહન વ્યવહાર પ્રભાગની રૂ. ૩૫૭૯.૦૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર/અમદાવાદ,

વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત એસ.ટી બસોને “કોમન મેનની શાહી સવારી” ગણાવતા જણાવ્યું હતું કે, એસ.ટી.ની સવારી આજે લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની રહી છે. એસ.ટી. માત્ર પરિવહનનું માધ્યમ જ નહિ, પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો છે.

આ સંદર્ભે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારોમાં નાગરિકોને માદરે વતન પહોંચાડવા, શ્રદ્ધાળુઓને સોમનાથ, દ્વારકા અને ડાકોર જેવા યાત્રાધામો ખાતે પહોંચાડવા તેમજ વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપત્તિના સમયે નાગરિકોને સલામત સ્થળે પહોંચાડીને આપણી એસ.ટી. સમયસર, સલામત અને સ્વચ્છ સવારી પૂરી પાડી રહી છે.

વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસના રાજમાર્ગ પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સલામત સવારી તેજ રફ્તાર સાથે આગળ વધી રહી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત એસ.ટી નિગમે ટેકનોલોજી આધારિત અનેક નવા આયામો શરુ કર્યા છે. જેમાં ગુજરાતના બસ ડેપો અને બસ સ્ટેશનોને વધુ અદ્યતન બનાવવામાં આવ્યા છે.      

એટલું જ નહિ, નાગરિકોને છેવાડાના ગામો સુધી પહોંચવા માટે સમયસર બસો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ ૨૦૦ નવી બસ એટલે કે, દરરોજ ૬ નવી બસો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવે છે. માત્ર છેલ્લા ૧૪ માસમાં જ ૨,૯૮૭ નવીન બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત પરિવહનને વધુ કાર્યક્ષમ અને વેગવંતુ બનાવવા માટે અનેક નવા રૂટ પણ શરુ કરવામાં આવ્યા છે. આગામી વર્ષે પ્રજાની સેવામાં નવી ૨,૦૫૦ બસો કાર્યરત કરાશે, તેમ શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, સુંદર, સ્વચ્છ અને ઝડપી નવીન બસો સંચાલનમાં મૂકવાથી અગાઉ દૈનિક ૨૫ લાખ મુસાફરો GSRTCની બસોનો લાભ લેતા હતા, તેમાં દૈનિક ૨ લાખ મુસાફરોનો ઐતિહાસિક વધારો થતા હવે દૈનિક ૨૭ લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે. આ આંકડા એ માત્ર આંકડા નથી નિગમની સુદ્રઢ સેવાની વિશ્વસનીયતાની ખાતરી છે.

        મંત્રીશ્રીએ GSRTCની વિશેષ પહેલ અંગે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે ૧૪૪ વર્ષે યોજાયેલા સનાતન ધર્મના મહાપર્વ – મહાકુંભમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ નિર્વિઘ્ને સંગમમાં પવિત્ર સ્નાન કરી શકે તે માટે GSRTCએ પ્રવાસન નિગમ સાથે મળીને એક વિશેષ આયોજન કર્યું હતું. રાજ્યની જનતા માટે AC વોલ્વો બસ તથા રહેવાની વ્યવસ્થા સાથે એક પેકેજ બનાવી મહાકુંભ માટે રાજ્યના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ માટે વિશેષ સેવાનું આયોજન કર્યું હતું, જેની ચર્ચા માત્ર ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં થઇ છે.

માત્ર એક જ મહિનામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૨૪ AC વોલ્વો બસ થકી ૧૪૦ ટ્રીપ દ્વારા ૬,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાતથી ૧,૨૦૦ કરતા વધુ કિલોમીટર પર આયોજિત પ્રયાગરાજ મુકામે બસ સંચાલનનું કાર્ય એ સામાન્ય ન હતુ. કોઇપણ અણબનાવ કે અકસ્માત વગર સફળતાપૂર્વક આ યાત્રા પૂર્ણ કરાવવા બદલ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર તથા મિકેનિક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

        મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં જ ત્રણ માસમાં ૫૦૦થી વધુ નવી બસો, અત્યાધુનિક વોલ્વો પ્રીમીયમ બસો તેમજ ૭૦૦ નવી ટ્રીપ શરુ કરવાનો સંકલ્પ કર્યો હતો. જેની સામે ૬૧૦ નવી બસ તેમજ ૧૦૦ વોલ્વો પ્રીમીયમ બસ નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાંઆવી છે. સાથે જ, સંકલ્પથી ત્રણ ગણી વધારે એટલે કે ૨,૧૨૭ ટ્રીપ શરુ કરીને રાજ્ય સરકારે પોતાનો સંકલ્પ ખરા અર્થમાં પરિપૂર્ણ કર્યો છે.

આટલું જ નહિ, એસ.ટી. નિગમની વિવિધ કક્ષામાં ભરતીના સંકલ્પ સામે માત્ર એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં ૭,૩૨૬ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ક્લાર્ક કક્ષામાં ૨૬૪ ઉમેદવારોને નિમણૂંક અપાઈ છે. કંડક્ટર કક્ષામાં ૨,૩૨૦ ઉમેદવારોને આગામી ૧૫ દિવસમાં નિમણૂક અપાશે. મિકેનિક કક્ષામાં ૧,૬૫૮ પોસ્ટ માટે જાહેરાતની કામગીરી તેમજ ૩,૦૮૪ ડ્રાઈવરની પોસ્ટ માટે પરીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

“ટુરીઝમ વીથ ટ્રાન્સપોર્ટ”ના નવા અભિગમ અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આગામી વર્ષમાં ૨૦૦ નવી પ્રિમિયમ બસ શરુ કરવા માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ બસોના માધ્યમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, ગીર, રણોત્સવ જેવા પ્રવાસન સ્થળોને આવરી લેતું ટુરીઝમ સર્કીટ શરૂ કરવામાં આવશે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, એસ.ટી નિગમના કર્મચારીઓની વર્ષો જૂની અને વાજબી માંગણીઓને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી પૂર્ણ કરીને તેનો શક્યત: સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે. માત્ર એક વર્ષમાં નિગમના કર્મચારીઓને રૂ. ૨૫૦ કરોડથી વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

મંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, જનતાને સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેશનની ઉત્તમ સુવિધા આપી શકાય તે માટે નિગમના દ્વારા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”ના બેનર હેઠળ રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેની ફલશ્રુતિરૂપે ગુજરાત એસ.ટી નિગમને ભારત સરકારના એસોસિએશન ઓફ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકીંગ તરફથી સ્વચ્છતા અભિયાન માટે “રાષ્ટ્રીય કક્ષાનો એક્ષલેન્સ એવોર્ડ” પ્રાપ્ત થયો છે.

એક સમય હતો જ્યારે ગુજરાતના નાગરિકોએ લાઇસન્સ જેવી વિવિધ સેવાઓ માટે લાંબી લાંબી લાઈનો લાગતી હતી. આજે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત અભિયાન હેઠળ ૩૫ ફેસલેસ સેવાઓ રાજ્યની જનતાને આપવામાં આવી રહી છે. જેના કારણે હવે નાગરિકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવતો નથી. ગુજરાત ૩૫ ફેસલેસ સેવાઓ સાથે દેશમાં ત્રીજું સ્થાન ધરાવે છે. ટૂંક સમયમાં જ અમે નવી સેવાઓ પણ ફેસલેસ અને પેપરલેસ કરીશું, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

વાહન વ્યવહાર પ્રભાગની રૂ. ૩૫૭૯.૦૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહ ખાતે પસાર કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *