એર ઈન્ડિયા પ્લેન ક્રેશ: ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ: ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત


દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની ઓળખ અને સોંપણી સુધીની પ્રક્રિયા માટે સ્વજન દીઠ અલાયદી ટીમ

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

તા. 12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના દિશા નિર્દેશ હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ડીએનએ સેમ્પલ મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.

ડીએનએ સેમ્પલ મેચિંગ બાદ મૃતકોના સ્વજનોનો સંપર્ક કરીને તેમને બોલાવવાથી લઈને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા સુધીની તમામ કાર્યવાહી સુપેરે પૂર્ણ કરવાના હેતુસર રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લિમિટેડના એમ. ડી. અને સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર શ્રી અરવિંદ વિજયને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ડીએનએ સેમ્પલ રિપોર્ટ આવ્યા પછી પરિવારજનોના વેરીફીકેશન માટે સિવિલ હોસ્પિટલ ખાતે D2 બ્લોકમાં વેરીફીકેશન સેન્ટર સ્થાપવામાં આવ્યું છે.

પરિવારજનો જ્યારે મૃતદેહો સ્વીકારવા આવે ત્યારે તેમનું વેરીફીકેશન અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. વેરીફીકેશન પૂર્ણ થતાં જ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જાણ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રૂમ દ્વારા મૃતદેહોને સોંપણી માટે તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

પોસ્ટમોર્ટમ રૂમ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ત્યાં સુધી પરિવારજનોને વેઇટિંગ એરિયામાં કાઉન્સેલર, મેડિકલ ટીમ અને પીઆરઓ સાથે બેસાડવામાં આવે છે. તેમને સંપૂર્ણ પ્રક્રિયા અને મૃતદેહો સાથે સોંપવામાં આવતા દસ્તાવેજો વિશે માહિતગાર કરવામાં આવે છે.

પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી પ્રક્રિયા પૂર્ણ થયાની જાણ થયા બાદ પરિવારજનોને D2 બ્લોકથી એક પીઆરઓ દ્વારા એસ્કોર્ટ કરીને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રૂમથી પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહો અને કાયદાકીય રીતે જરૂરી ડોક્યુમેન્ટ્સ સોંપવામાં આવે છે. એક ટીમ પાર્થિવ દેહને મૃતકના ઘર સુધી પહોંચાડવા માટે પરિવારની સાથે જાય છે અને તમામ પ્રકારની સહાય પૂરી પાડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની ઓળખ અને સોંપણી સુધીની પ્રક્રિયા માટે પરિવારજન દીઠ એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે.  આ ટીમમાં આરોગ્ય કર્મી, એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.

પરિવારજનોને મૃતદેહો સોંપતી વખતે, રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર, અકસ્માત મૃત્યુ કેસ (AD) રિપોર્ટ, પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ નોટ, DNA મેચિંગ અંગેનો FSL રિપોર્ટ, શરીર પર મળેલા કોઈપણ ઘરેણાં અથવા વસ્તુઓ પણ સોંપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પાર્થિવ દેહને સગા-સંબંધીઓને સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની ૫૯૧ ટીમ મેમ્બર્સ સહિત ૧૯૨ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.

દુર્ઘટનાના અસરગ્રસ્તો અને તેમના પરિવારજનોને મદદરૂપ થવાના હેતુસર બી.જે. મેડિકલ કોલેજના કસોટી ભવનમાં હેલ્પડેસ્ક ઊભું કરાયું છે, જેમાં કન્ટ્રોલ રૂમના સંકલન સહિતની તમામ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.

સમગ્ર વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનાની ક્ષણોમાં તમામ પરિવારજનો સાથે રૂબરૂ સંપર્ક કરી તેઓનાં પરિવારજનોની સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલિંગ વ્યવસ્થા, એરપોર્ટથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, રહેવા-જમવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરે બાબતોમાં મદદરૂપ થઈ આપત્તિના આ કપરાંકાળમાં સહાનુભૂતિપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *