ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 26 ફ્લાઈટ કેન્સલ – Gujarati GNS News


અમદાવાદથી 18, રાજકોટથી 4, સુરતથી 3 અને વડોદરાથી 1 ફ્લાઈટ ઉડાન નહિ ભરે

(જી.એન.એસ),તા.૦૮

રાજકોટ

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાત્રિના 12થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરાની 1 ફ્લાઈટ રદ થવાની માહિતી મળી રહી છે. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે, મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી મળતી માહિતી મુજબ, આજે 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 18 ફ્લાઇટ કેન્સલ થઈ છે. જેમાં નવ આવતી અને નવ જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઈટ પર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 23 અને આવતી 21 ફ્લાઈટનો સમાવેશ થાય છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની આજની રાજકોટથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ છે. શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો આજે 8 ડિસેમ્બરના 8માંથી 4 ફ્લાઇટ રદ થતા મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે. ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવાની 12.05 વાગ્યાની અને બેંગ્લોરની 16.15 વાગ્યાની ફ્લાઈટ રદ જાહેર થઈ છે. જ્યારે રાજકોટથી હૈદરાબાદની 15.55 વાગ્યાની તો મુંબઈની 16.55ની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ઓપરેશનલ રિઝનના કારણે મુશ્કેલી ઉભી થઈ છે, જેમાં પાયલોટની સીક લિવ અને સ્ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સિવાય આજે 8 ડિસેમ્બરના ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની 9 વાગ્યાની, દિલ્હીની 17.55 વાગ્યાની અને મુંબઈની 19.55 વાગ્યાની ફ્લાઈટ ઉડાન ભરશે. એર ઇન્ડિયાની સવારની 8.35 વાગ્યાની મુંબઈ, 18.05 વાગ્યાની મુંબઈ અને 20.08 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે.

આજની સુરતથી ઉપડતી કોલકાતાની, સુરતથી હૈદરાબાદ અને સુરતથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી ઇન્ડિગોની ફ્લાઈટ સુરત એરપોર્ટ ખાતે આવવાની શરૂ થઈ છે. પાંચ દિવસ બાદ સવારથી હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું સુરત એરપોર્ટ ખાતે લેન્ડિંગ થયું છે.  વડોદરામાં ઇન્ડિગોની મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટો કેન્સલ થતાં મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ખાસ કામ અને પ્રસંગે જતાં લોકોને છેલ્લી ઘડીએ રઝળવાનો વારો આવે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ જણાવ્યું હતું કે, હમણાં યાત્રીઓની ફ્લાઇટ મિસ થઈ રહી છે અથવા તો કેન્સલ થઈ રહી છે તે માટે હેલ્પડેસ્ક શરૂ કરાયું છે. સાથે અહીં IRCTCનું કાઉન્ટર પણ ખોલી દીધું છે, જેથી મુસાફરો વેસ્ટર્ન રેલવેની સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ કરી શકે. જો કોઈની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હોય અને તેને દિલ્હી કે મુંબઈ જવું હોય તો ઑન ધ સ્પોટ IRCTCના કાઉન્ટર પરથી પોતાની ટિકિટ બુક કરી શકે છે એટલે કે સાબરમતી કે અમદાવાદ જઈને ટિકિટ બુક કરીને સ્ટેશન જઈને પોતાની ટ્રેન લઈ શકે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *