આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે

આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે


(જી.એન.એસ)તા.6

અમદાવાદ

ગુજરાતમાં ફક્ત 15 જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો. આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે એટલે કે ગુજરાતમાં પણ ગરમીનું તાપમાન વધુ નોંધાયું હતું, તેવામાં મહિનાના છેલ્લા 5 દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન ખૂબ જ ઊંચું રહ્યું હતું.

માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે જ્યારે ખરેખર ઉનાળાની શરૂઆત થતી હોય છે તે દરમિયાન વિવિધ સિસ્ટમને કારણે તાપમાનમાં પાંચથી છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો તથા કેટલાક જિલ્લાઓમાં આ ઘટાડો 13 ડિગ્રી સુધી પણ પહોંચ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ફરી એકવાર તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ છે તેથી ગુજરાતવાસીઓને ફરી એક વખત કાળઝાળ ગરમી અનુભવાશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચથી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તથા 24 કલાક દરમિયાન તાપમાન યથાવત્ રહ્યા બાદ ધીરે ધીરે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે. એટલે કે ફરી એકવાર ગુજરાતવાસીઓને આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યની ધરા જે સિસ્ટમને કારણે ઠંડી પડી હતી તે સિસ્ટમ પસાર થઈ જતા ફરી એકવાર ગરમીનો અનુભવ થશે.

ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં અને માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. ત્યાર બાદ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી સતત પવનો ફૂંકાતા રાજ્યમાં પણ ઠંકડ વર્તાઈ હતી. પરંતુ હવે આ જ પવનોને કારણે રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી જ પવન આવી રહ્યા છે, પરંતુ મેદાની પ્રદેશોમાં થઈને આવતા તે ગરમ બની જાય છે અને ગુજરાત સુધી પહોંચતા જ ધરાને પણ ગરમ કરે છે. તો બીજી તરફ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બફરાનો અનુભવ થશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ધીરે ધીરે રાજ્યનું લઘુતમ અને મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધશે. તથા આગામી 9 અને 10 માર્ચ દરમિયાન રાજ્યના સંપૂર્ણ દરિયાકાંઠા વિસ્તારમાં યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. કારણ કે, અરબ સાગરના ભેજ અને ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા ગરમ પવનોને કારણે કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 9 અને 10 માર્ચ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યંત બફારાનો અનુભવ થશે. તેથી હવામાન વિભાગે ચોથા અને પાંચમા દિવસે હોટ એન્ડ હ્યુમિડ વેધર માટે યલો વોર્નિંગ જાહેર કરી છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં ભારે ઉતારચઢાવની સ્થિતિનું નિર્માણ થયું હતું. આગામી દિવસોમાં પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેર વિશે જો વાત કરવામાં આવે તો ગત 28 ફેબ્રુઆરીના રોજ આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આ દિવસે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી અને વડોદરાનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 27 ફેબ્રુઆરીના રોજ સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી અને રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી વધુ મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત 26 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢના કેશોદમાં 38.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું

એટલે કે, ફેબ્રુઆરી મહિનાના 26, 27 અને 28 તારીખ દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ 2 માર્ચ 2025થી સતત તાપમાનમાં ઘટાડો થવા પામ્યો હતો. આ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહ્યું હતું. આ ઉપરાંત લઘુતમ તાપમાનમાં પણ નલિયા જેવા શહેરમાં ફક્ત 24 જ કલાકમાં 13 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓનું મહત્તમ તાપમાન પણ 32થી 35 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. પરંતુ હવે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો વધારો સહન કરવા માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં મુખ્ય શહેરોની તાપમાનની સ્થિતિ અંગે જોઇએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 32.3 અને લઘુતમ તાપમાન 14.7 ડિગ્રી, વડોદરાનું મહત્તમ તાપમાન 33.4 અને લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી, રાજકોટનું મહત્તમ તાપમાન 34 અને લઘુતમ તાપમાન 14 ડિગ્રી તથા સુરતનું મહત્તમ તાપમાન 34.6 અને લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 11.5 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત સૌથી વધુ મહત્તમ તાપમાન દમણમાં 36.4 ડિગ્રી નોંધાયું હતું. તથા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *