સહયોગ જનહિત ફાઉન્ડેશન (ગુજ.), ગુજરાતી કલાકાર મહાસંઘ તથા ગાંધીનગર નાગરિક અધિકાર પરિષદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
………………….
(જી.એન.એસ),તા.૨૭
ગાંધીનગર
ગાંધીનગરનાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અયોધ્યા ખાતે રામ મંદિરના ધ્વજારોહણના પાવન અવસરને પાર્શ્વભૂમિ બનાવી સહયોગ જનહિત ફાઉન્ડેશન (ગુજરાત), અમે ગુજરાતી કલાકાર મહાસંઘ અને ગાંધીનગર નાગરિક અધિકાર પરિષદના સંયુક્ત ઉપક્રમે ગીત–સંગીતથી સજ્જ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જીલ્લા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ વાઘેલાએ નાગરિકોને આવકારતા જણાવ્યું કે “આજના સોશિયલ મીડિયા યુગમાં શુભેચ્છા આપ-લે પણ ઓછી થતી જાય છે, ત્યારે આજે બહોળી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ અમારી માટે સ્નેહ અને વિશ્વાસનું પ્રતિબિંબ છે. જીલ્લાની સર્વપ્રથમ આ નાગરિકોની સંસ્થાનું પહેલું સ્નેહમિલન ઐતિહાસિક બની રહેશે.”
મંચ પરથી અમે ગુજરાતી કલાકાર મહાસંઘના ઉપપ્રમુખ તેમજ પ્રસિદ્ધ નાટ્યકાર અને બાળસાહિત્યકાર શ્રી ભાર્ગવ જીવરામ જોષીએ કાર્યક્રમને સરાહતા નાગરિકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.
કલાકાર મહાસંઘના મહામંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “કલાકાર માટે નાત–જાત–ધર્મનો પ્રશ્ન નથી, તેમ જ નાગરિકોના હિત અને પ્રશ્નો પક્ષ–રાજનીતિથી પર છે. નાગરિકોની વેદના સમજી તેના નિરાકરણમાં મદદગાર બનવું એ જ સાચા અર્થમાં નાગરિકોની સરકાર છે.”
કાર્યક્રમના ઉદ્દઘાટક, જાણીતા સામાજિક–રાજકીય અગ્રણી ડો. હિમાંશુ પટેલે ગાંધીનગરની જૂની સંસ્થાઓ, સંસ્કૃતિના પ્રવાસ અને શહેરને મળેલા સંસ્કારના ઇતિહાસને યાદ કર્યો હતો. તેમણે ત્રણેય સંસ્થાના ઉપક્રમે નાગરિક હિતમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા કહ્યું કે “આપ સૌ વધારેમાં વધારે સંસ્થાઓ સાથે જોડાઓ, કારણ કે એવી સંસ્થા જ સાચે તમારા હિત અને ન્યાય માટે કામ કરે છે.”
વધુમાં તેમણે આગાહી કરી કે “આજે અહીં 200 થી વધુ નાગરિકો ઉપસ્થિત છે; આવતા વર્ષે 2000 થી વધુ નાગરિકો સાથે આ કાર્યક્રમને નગરના ટાઉનહોલ ખાતે વધુ ભવ્યતા સાથે ઉજવીએ — અને હું દર વર્ષે આ પરંપરા નિભાવવાનો વિશ્વાસ આપું છું.”
કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા પ્રમુખ તથા મહામંત્રી હિમાંશુ ભચેચ, શહેર પ્રમુખ ગિરીશભાઈ રાવલ, મહામંત્રી જીતુભાઈ આહીર, મંત્રી દિનેશ ચૌહાણ સહિતના હોદેદારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગાંધીનગર શહેર-જીલ્લા તથા પેથાપુર–દહેગામ–માણસા વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ સફળતા મળી હતી.

