અમદાવાદ જિલ્લા શ્રમ આયુક્ત કચેરીની રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી: છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોર અને ૨૬ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં

અમદાવાદ જિલ્લા શ્રમ આયુક્ત કચેરીની રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી: છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોર અને ૨૬ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં


બાળપણની ‘મીઠાશ’ છીનવતી મજૂરીમાંથી મુક્ત કરાયો દસ વર્ષનો બાળક

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની પૂર્વ સંધ્યાએ મીઠાઈ ફેક્ટરીમાંથી ૧૦ વર્ષીય બાળક બાળમજૂરીમાંથી મુક્ત થયો

(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

તહેવારો અને ખુશીના પ્રસંગોમાં જે મીઠાઈઓ આપણા મોં મીઠા કરાવે છે, તે મીઠાઈ બનાવતી એક ફેક્ટરી પાછળ એક બાળકની જિંદગીની કડવાશ છુપાયેલી હતી. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની બરાબર આગલી સાંજે, અમદાવાદ જિલ્લા ટાસ્ક ફોર્સે નરોડા GIDCમાં આવેલા મીઠાઈના કારખાના આશાપુરા દૂધ ઘર પર દરોડો પાડીને એક ૧૦ વર્ષના માસૂમ બાળકને મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયો છે.

વિવિધ મીઠાઈઓથી મઘમઘતી ફેક્ટરી વચ્ચે કરમાતું બાળપણ જિલ્લા શ્રમ આયુક્ત કચેરીના ધ્યાને આવતાં જ આ ત્વરિત કામગીરી કરવામાં આવી છે.

જિલ્લા બાળ સુરક્ષા એકમને હેલ્પલાઇન ૧૦૯૮ પર એક જાગૃત નાગરિક તરફથી માહિતી મળી હતી કે નરોડા GIDCના એક મીઠાઈના કારખાના આશાપુરા દૂધ ઘરમાં એક બાળક અને તરુણ પાસે બિન જોખમી મજૂરી કરાવવામાં આવી રહી છે.

ઉક્ત માહિતીના આધારે, મદદનીશ શ્રમ આયુક્તના માર્ગદર્શન અને જિલ્લા શ્રમ અધિકારીની આગેવાનીમાં બાળમજૂરી વિરોધી ટાસ્ક ફોર્સના સભ્યો એવા પોલીસ સ્ટાફ, પ્રયાસ સોસાયટીના કાઉન્સેલર અને જિલ્લા બાળ સુરક્ષા યુનિટના અધિકારીઓએ સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ટીમ જ્યારે પહોંચી ત્યારે બાળક અને તરુણ પાસે બિન જોખમી શ્રમ કરાવાઈ રહ્યો હતો.

તપાસ દરમિયાન સ્થળ પર હાજર ફેક્ટરી માલિકે બાળકની ઉંમર અંગે સંતોષકારક જવાબ આપ્યો હતો. બાળકના આધાર કાર્ડની તપાસ કરતાં તેની જન્મતારીખ ૨૪/૧૨/૨૦૧૪ હોવાનું જણાયું, જે સ્પષ્ટ કરે છે કે તે ૧૪ વર્ષથી નાનો છે. આ ઉપરાંત એક તરૂણની ઉંમર ૧૬ વર્ષ જણાઈ આવી હતી.

ટાસ્ક ફોર્સના આગેવાન અને સરકારી શ્રમ અધિકારી શ્રી જીગર પટેલે જણાવ્યું કે, બાળકને ત્યાંથી મુક્ત કરાવીને, માલિક વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૩ અને ૧૪(૧) હેઠળ કડક કાર્યવાહી કરવા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તરૂણ પાસે મજૂરી કરાવવા બદલ માલિકને નિયમનની નોટિસ આપવામાં આવી છે.

બાળ કલ્યાણ સમિતિ (CWC)ના આદેશ મુજબ, બાળકને હાલ સરસપુરમાં આવેલી પ્રયાસ જુવેનાઇલ એઇડ સેન્ટર સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. બાળકનું અને પિતાનું કાઉન્સેલિંગ કરીને સમજ આપવામાં આવી છે. બાળકને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડીને તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં આવશે.

ટાસ્કફોર્સમાં અધિકારી શ્રી જીગર પટેલની આગેવાનીમાં શ્રી યજ્ઞેશ પટેલ, મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, શ્રી ઘનશ્યામભાઈ પ્રજાપતિ, આઉટરીચ વર્કર, શ્રી રમેશભાઈ ડાભી આર્મ પોલિસ કોન્સ્ટેબલ,  યાસુબખાન પઠાણ આર્મ પોલિસ કોન્સ્ટેબલ તેમજ હિતેન્દ્રભાઈ ડાભી, કાઉન્સેલર ડીસ્ટ્રીક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ પણ જોડાયા હતા.

આજે, ૧૨ જૂને, જ્યારે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે બાળકની આ કહાની આપણને સૌને બાળ મજૂરી સામે અવાજ બુલંદ કરવાનો સંદેશ આપે છે.

જો આપણી આસપાસ કોઈ પણ બાળક મજૂરી કરતું દેખાય તો આંખ આડા કાન કરવાને બદલે ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન ૧૦૯૮ પર ફોન કરવો જોઈએ. આપણો એક ફોન કોઈનું બાળપણ બચાવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાળ મજૂરીની સામાજિક બદીને નાથવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી અપનાવી છે. જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરીને છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોર અને ૨૬ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં છે. કસૂરવાર માલિકો સામે કુલ ૩૯ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૧૯ એફઆઈઆર નોંધવામાં આવી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *