સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવ્વાદમાં
(જી.એન.એસ) તા. ૨૦
અમદાવાદ,
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. એક સામાન્ય ધક્કા-મુક્કીની ઘટનાએ આ ગંભીર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસે આ કેસમાં બે સગીરોની અટકાયત પણ કરી છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘટના એક અઠવાડિયા પહેલા શાળામાં થયેલા એક નાના ઝઘડાની અદાવત કારણભૂત હતી. શાળા છૂટ્યા બાદ, હુમલાખોર કિશોરે પોતાની બેગમાંથી છરી કાઢીને નયન પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં, પોલીસને એવું લાગ્યું હતું કે સાતથી આઠ વિદ્યાર્થીઓએ મળીને આ હુમલો કર્યો હતો. પરંતુ, પોલીસની પૂછપરછમાં હુમલાખોર કિશોરે કબૂલાત કરી છે કે તેણે એકલા હાથે આ કૃત્ય કર્યું હતું. હાલમાં પોલીસ કિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
ખુબ ચોંકાવનારી બાબતે છે કે આરોપી વિદ્યાર્થીએ હત્યા કર્યા બાદ વોટ્સએપ ચેટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ચેટ પોલીસને હાથ લાગી છે, જેમાં મોટા ખુલાસા થયા છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ હત્યાની કબૂલાત કરી હતી. ચેટમાં તેણે જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીએ તેને “તું કોન હૈ, ક્યાં કર લેગા?” તેમ કહીને ઉશ્કેર્યો હતો, જેના કારણે તેણે ચાકુ માર્યું હતું. આરોપી સાથે ચેટ કરનાર વ્યક્તિએ તેને “અંડરગ્રાઉન્ડ” થઈ જવાની પણ સલાહ આપી હતી. પોલીસ હવે આ ચેટની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, પુરાવાનો નાશ કરવાના પ્રયાસો અને અન્ય દિશાઓમાં પણ તપાસ કરી રહી છે. આરોપી સગીર હોવા છતાં તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટનો લાભ ન મળે તે માટે તેની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવશે, જેથી તેની માનસિક અને શારીરિક સ્થિતિનો યોગ્ય અંદાજ મળી શકે. આ ઘટનાએ ફરી એકવાર શાળા સંકુલમાં બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉભા કર્યા છે.
આ ભયાનક ઘટના સમયે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ શાળા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું કે, 30 મિનિટ સુધી વિદ્યાર્થી તરફડિયા મારતો હતો તો પણ કોઈ મદદ માટે નહતું આવ્યું.પ્રત્યક્ષદર્શી શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, ‘ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્સ હાજર હતા, તેમ છતા કોઈ મદદ માટે નહોતું આવ્યું. લગભગ 30 મિનિટ સુધી વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં ત્યાં તરફડિયા મારી રહ્યો હતો, તેમ છતાં કોઈ મદદ માટે નહતું આવ્યું. હુમલો કરનાર છોકરો તો તુરંત ત્યાંથી પેટમાં ચાકુ ભોંકીને ભાગી ગયો હતો. પરંતુ, આ વિદ્યાર્થી લોહી નીકળવાના કારણે બેભાન થઈ ગયો હતો. હું અને મારા મિત્રો તરત ત્યાં પહોંચ્યા અને તેને રિક્ષામાં બેસાડ્યો હતો. તેમ છતાં સિક્યોરિટી ગાર્ડ કે કોઈ અમારી મદદે ન આવ્યા અને ઊભા-ઊભા જોતા રહ્યા. બાદમાં વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.’
બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી. હાલ, મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.
મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ગંભીર કેસ બાદ, શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળા સંચાલકોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ નોટિસમાં, DEO એ શાળા સંચાલકોને આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવા જણાવ્યું છે. જો તપાસ દરમિયાન શાળા સંચાલકોની કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વધુમાં, આ સમગ્ર ઘટનાનો એક અહેવાલ રાજ્ય સરકારને પણ મોકલી આપવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટનાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ન થાય તે માટે, વર્ગખંડોને સીલ કરી દેવાયા હોવાથી, હવે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.
આ રેડ સિગ્નલઃ શિક્ષણ મંત્રી
આ મામલે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, ‘શાળામાં વિદ્યાર્થીની હત્યાની સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ માટે હું મૃતકના પરિજનોને સાંત્વના આપું છું. આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે. નાની ઉંમરમાં ચાકુથી લઈને હુમલો કરવો એ તમામ લોકો માટે એક રેડ સિગ્નલ છે. આવી વિકૃત માનસિકતા ધરાવનારા બાળકો પર માતા-પિતાએ નજર રાખવી જોઈએ. શાળાના નાના ઝઘડામાં મર્ડર સુધી પહોંચવું તે એક ચિંતાનો વિષય છે.

