વધુ બે કેસના ગુનેગારોને આજીવન કેદની સજા – Gujarati GNS News


(G.N.S) Dt. 7

આણંદ,

તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી: મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદાઓ આવ્યા

ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

આણંદ જિલ્લાના તપાસ અધિકારી તત્કાલિન સીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા આ તમામ કેસની કરવામાં આવેલી બારીક પરિણામલક્ષી તપાસ બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન

ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, ત્યારે આણંદ જિલ્લામાં ગઈ કાલે પોક્સોના ગુનામાં વધુ બે ચુકાદા આવ્યા છે જે બંને કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કેસની તપાસ કરીને આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરનાર તપાસ અધિકારીએ પોક્સોના સાત કેસમાં ૧૦૦ ટકા સજાનો દર મેળવ્યો છે જે પૈકી છ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે.

આણંદ જિલ્લા પોલીસ વડા શ્રી જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા માર્ચ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા પોક્સોના ગુનાઓમાં ‘ટોપ ટુ બોટમ’ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ સચોટ તપાસના પરિણામે તમામ ૭ કેસોમાં ૧૦૦% સજાનો દર હાંસલ થયો છે અને આણંદ જિલ્લા પોલીસની ટીમે આ ગંભીર ગુનાઓમાં દાખલારૂપ કામગીરી કરી નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

નોંધનીય બાબત છે કે, તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ ૭ પૈકી ૬ કેસોમાં આરોપીઓને ૨૦ વર્ષની કેદ (આજીવન કેદ) અને દંડની સજા ફટકારવામાં આવી છે. ઝડપી તપાસને કારણે માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં કોર્ટના ચુકાદાઓ આવ્યા છે. ગઈકાલે જ બે મહત્વના કેસોમાં કોર્ટે કડક વલણ દાખવી આજીવન કેદની સજા ફટકારી છે.

આ તપાસમાં પરંપરાગત પદ્ધતિઓની સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો હતો. ‘ઇ-સાક્ષ્ય’ એપ્લિકેશન દ્વારા સાક્ષીઓના નિવેદનો અને પંચનામાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પુરાવા નબળા ન પડે. આ ઉપરાંત, ક્રાઈમ સીન મેનેજર અને FSL ની મદદથી મેળવેલા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓએ આરોપીઓને સજા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે.

આણંદ પોલીસની આ સંવેદનશીલ અને ત્વરિત કામગીરીની નોંધ લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ છે કે મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં અને ગુનેગારોને કાયદાના કડક પાઠ ભણાવવામાં આવશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *