કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ – Gujarati GNS News


રાજ્યમાં રેલ નેટવર્ક અને મુસાફર સુવિધા વધારવા માટે આ વર્ષે રૂ. 17,366 કરોડનું રેકોર્ડ બજેટ ફાળવાયું

(જી.એન.એસ) તા. ૧

ગાંધીનગર,

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર  ખાતે આયોજિત ગુજરાત સેમીકનેક્ટ કોન્ફ્રન્સ 2026ના શુભારંભ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય આઈટી, માહિતી પ્રસારણ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી આધુનિક બની રહ્યું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયો રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત દર્શાવે છે.

શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વર્તમાન સરકારે વર્ષ 2026-27 માટે ગુજરાતને રૂ. 17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવ્યું છે. બજેટમાં થયેલો આ અનેકગણો વધારો રાજ્યના રેલવે નેટવર્કને વધુ સશક્ત અને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

રેલવે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં કુલ રૂ. 1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. રાજ્યના 87 રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ વિશ્વકક્ષાના ધોરણ મુજબ વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 21 સ્ટેશનોનું કામ પૂર્ણ થયું છે.

અમદાવાદ, સાબરમતી, સુરત, ઉના અને સોમનાથ જેવા મહત્વના સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ બાદ મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

ભારતના પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરીડોર અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને આવનારા વર્ષે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની દિશામાં તૈયારી ચાલી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઈ વચ્ચે 350 કિમી પ્રતિ કલાકની ગતિએ મુસાફરી આશરે 1 કલાક 57 મિનિટમાં પૂર્ણ થશે.

શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ બુલેટ ટ્રેન માટે 7 નવા રૂટને પણ મંજૂરી આપી છે, જેનાથી ભવિષ્યમાં દેશના અન્ય શહેરોને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.

આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-સ્પીડ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ મુસાફર સુવિધાઓ દ્વારા ગુજરાત ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અગ્રેસર રહેશે, તેમ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *