કોલેજના ડાયરેક્ટર પર 200-500ની નકલી નોટો ઉછાળી
ફી લૂંટનો અને હોલ ટિકિટ સમયસર ન આપતા હોવાનો આક્ષેપ
(જી.એન.એસ),તા.૨૧
અમદાવાદ
ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજમાં NSUI દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર પર NSUIના કાર્યકર્તાઓએ 200 અને 500ની નકલી નોટો ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો. પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી કોલેજ દ્વારા લેવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી, ડાયરેક્ટર પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ લેવાની હોય એમની પાસે જ વહેલા ફી માંગી હોવાનો કોલેજના ડાયરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
એશિયા પેસિફિક કોલેજમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા હોવાનો પણ NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા સરકારી પરીક્ષાના ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જેથી, આ તમામ મુદ્દાઓને લઈને NSUI દ્વારા કોલેજ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, કોલેજના ડાયરેક્ટર દ્વારા બચાવ કરવામાં આવતા NSUIના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા. જે બાદ નકલી નોટો ડાયરેક્ટર પર ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જો આગામી સમયમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કોલેજને તાળાબંધી કરવાની પણ NSUI એ ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત NSUIના મંત્રી હર્ષ પરમારે જણાવ્યું હતું કે, આવતીકાલે પરીક્ષા હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી હોલ ટિકિટ આપવામાં આવી નથી. જો વિદ્યાર્થીઓ 10 મિનિટ મોડા આવે તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. વહેલી તકે વિદ્યાથીઓને હોલ ટિકિટ આપવામાં આવે એવી અમારી માંગ છે તેમજ 10 મિનિટ જો વિદ્યાર્થીઓ મોડા આવે તો તેમને પરીક્ષા આપવા દેવામાં આવે એવી અમારી માંગ છે.
એશિયા પેસિફિક કોલેજના ડાયરેક્ટર પરેશ છણિયારાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ એડવાન્સ ફી લેવામાં આવતી નથી. સ્કોલરશીપ માટે એપ્લાય કરેલા વિદ્યાર્થીઓ જ ફી માટેની રિસિપ્ટ લેવા અરજી કરી ફી ભરતા હોય છે. જેથી, જેમને જરૂર હોય એવા વિદ્યાર્થીઓ જ ફી ભરે છે. હોલ ટિકિટ પણ વિદ્યાર્થીઓ પરીક્ષા અગાઉથી જ લઈ જતા હોય છે તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઇન પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકતા હોય છે. યુનિવર્સિટીના નિયમના આધારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મોડા પડે તો અમે તેમને પ્રવેશ આપતા નથી. એડમિશન સમયે કોઈ વિદ્યાર્થીએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા હોય અને ભૂલી ગયા હોય તો એવા વિદ્યાર્થીઓના જ પડ્યા હોય છે તેમજ એ લોકો પાછળથી આવીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જતા હોય છે.

