ભારતને સાથે લઈને જ ચાલું છું સુંદર પિચાઈ, દુનિયામાં જ્યાં પણ જાઉં છું
ભારતે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનું શુક્રવારે સાનફ્રાન્સિસ્કોમાં પારિવારના નજીકના સભ્યોની હાજરીમાં વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં ૨૦૨૨ માટે ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મ ભૂષણથી સન્માન કર્યું હતું. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુએ પિચાઈને આ એવોર્ડ સોંપ્યો હતો. આ સમયે પિચાઈએ કહ્યું કે હું જ્યાં જાઉં ત્યાં ભારતને સાથે લઈને ચાલું છું.
ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર મળતા ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું, ભારત મારો એક ભાગ છે અને હું જ્યાં પણ જાઉં છું ત્યાં તેને સાથે લઈને જાઉં છું. ભારતીય અમેરિકન સુંદર પિચાઈને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં ૨૦૨૨ માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. મદુરૈમાં જન્મેલા સુંદર પિચાઈને આ વર્ષની શરૂઆતમાં ૧૭ એવોર્ડ વિજેતાઓમાંથી એક તરીકે નોમિનેટ કરાયા હતા.
અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુ પાસેથી એવોર્ડ સ્વીકારતા ૫૦ વર્ષીય સુંદર પિચાઈએ કહ્યું, હું આ સન્માન માટે ભારત સરકાર અને ભારતના લોકોનો ખૂબ જ આભારી છું. ભારત મારો એક ભાગ છે. હું જ્યાં પણ જાઉં છું, તેને મારી સાથે લઈ જાઉં છું. હું ભાગ્યશાળી હતો કે એક એવા પરિવારમાં મારો ઉછેર થયો, જેણે મારા શિક્ષણ અને જ્ઞાાનનું પોષણ કર્યું. મારા માતા-પિતાએ મને મારા રસના વિષયોની જાણ થાય તે માટે ઘણો બધો ત્યાગ કર્યો હતો. સુંદર પિચાઈએ કહ્યું કે, ટેકનિકલ પરિવર્તનની તીવ્ર ગતિ જોવા માટે આ વર્ષોમાં અનેક વખત ભારત પાછા ફરવું આશ્ચર્યજનક રહ્યું છે. ભારતમાં કરાયેલી ડિજિટલ પેમેન્ટથી લઈને અવાજ ટેક્નોલોજી સુધીની નવીનતાઓના લાભ દુનિયાભરના લોકો મેળવી રહ્યા છે. હું ગૂગલ અને ભારત વચ્ચે મહાન ભાગીદારી ચાલુ રાખવાની આશા રાખું છું, કારણ કે અમે ટેક્નોલોજીના લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે સાથે મળીને કામ કરીએ છીએ.