સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને યોગાભ્યાસ શિબિરનું આયોજન કરાયું હતું. યોગાભ્યાસ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વસ્તરે સ્થાન મળ્યું છે. દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરાય છે. ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરવા સહિત યોગ થકી લોકો ફિટ બને છે. ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે. ત્યારે વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તેમ ધારાસભ્યએ અપીલ કરી હતી.
યોગના ઝોન કોર્ડીનેટર અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આજે પાલનપુર યોગમય બન્યું છે. યોગ થકી મનુષ્યના જીવનમાં માનસિક, શારીરિક, આધ્યત્મિક અને રાજનીતિક સહિતના ફેરફારો જોવા મળે છે. સૌ કોઈએ યોગ સાથે જોડાઈને ગુજરાતમાં ઘર – ઘર સુધી યોગ પહોંચે તે દિશામાં કામ કરવું જોઈએ. આ શિબિરમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ,પોલીસ જવાનો, યોગ કોચ, ટ્રેનરો અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા.


