પાટણના જાણીતા બિલ્ડર પરિવાર દ્વારા પ્લાસ્ટિકના ચકલી ચણ ઘરનું નિ:શુલ્ક વિતરણ કરાયું
એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાભાવી બિલ્ડર ની સેવા પ્રવૃત્તિ ને શહેરીજનોએ સરાહનીય લેખાવી; પાટણની સેવાકીય સંસ્થા એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જાણીતા બિલ્ડર દિલીપભાઈ અમથાભાઈ પટેલ પરિવાર દ્વારા શહેરના બગવાડા દરવાજા સ્થિત નિર્માણ કરાયેલ મણીભદ્ર હાઈટ્સ ખાતે પર્યાવરણ બચાવો પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષમાં આયોજિત કરાયેલા સેવાકીય પ્રોજેક્ટ અંતર્ગત દિલીપભાઈ પટેલ પરિવાર દ્વારા રંગબેરંગી અને આકર્ષક ૨૦૦ થી વધુ પ્લાસ્ટિકના ચકલી ચણ ઘરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ પણ પટેલ પરિવાર દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ગૌમાતા અને સ્વાનો સહિત અબોલ પશુ-પક્ષીઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓ-કુંડાઓ અને જરૂરિયાત મંદ પરિવારના બાળકોને શૈક્ષણિક કીટ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ અર્પણ કરવાના અનેકવિધ સેવા કીય પ્રોજેક્ટ કરવામાં આવ્યાં હોય તેઓની આ નિસ્વાર્થ સેવાને શહેરીજનો એ સરાહનીય લેખાવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.