દબાણદારોને અગાઉ નોટિસ અપાઈ હતી; ડીસા તાલુકાના જુનાડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાણીસંગ્રહાલય માટે જમીન ઉપર ના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રાણી સંગ્રહાલય માટે સરકારે ફાળવેલી જમીન ઉપર ના ગેરકાયદેર દબાણ હટાવવાની કામગીરી બુધવારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી.
ડીસા તાલુકાના જુનાડીસા ખાતે પ્રાણીસંગ્રહાલય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાસણા રોડ પર 450 વીઘા જમીન ફાળવવામાં આવી છે. જોકે સરકારે ફાળવેલી જમીનમાં કેટલીક જમીનમાં રહેણાંક તેમજ ખેતીલાયક દબાણો થયેલા છે. જેમાં મોજે જુનાડીસાના રેવન્યુ સર્વે નંબર 24માં મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કની જગ્યા પરના દબાણો આજે દૂર કરવાનો પ્રારંભ કરાયો હતો. વાસણા રોડ પર આવેલ 66 કેવી સબ સ્ટેશનની બાજુમાં ફાળવવામાં આવેલી આ જમીનમાં ખેતીવિષયક અને રહેણાક હેતુના દબાણોને દૂર કરવા માટે જમીન મહેસુલ કાયદાની કલમ 61 મુજબ દબાણદારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવ્યું હતું.
નોટિસ આપ્યા બાદ પણ દબાણ ખુલ્લું ન થતાં, જમીન મહેસુલ કાયદાની કલમ 202 મુજબ આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણ યથાવત રહેતાં આજરોજ મામલતદાર કચેરી ડીસા ગ્રામ્ય, ડીએલઆર કચેરી પાલનપુર અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કોઈ અડચણરૂપ ન થાય તે માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થઈ હતી અને પ્રાણી સંગ્રહાલય માટેની જગ્યા હવે દબાણમુક્ત કરવામાં આવી રહી છે.