ધાનેરાના મુખ્ય પુલ પર છેલ્લા કેટલાક સમયથી વારંવાર પડી રહેલા મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સતત બે દિવસ સુધી આ ખાડાઓને કારણે સર્જાયેલી સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોની ફરિયાદો અને મીડિયાના સતત અહેવાલો બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. પ્રાંત અધિકારી ઉનડકટની સૂચનાથી નેશનલ હાઈવેના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પુલના ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ શરૂ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુલના છેડે પાણી ભરાવાને કારણે વારંવાર ખાડા પડી રહ્યા હતા. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પ્રાંત અધિકારીએ નેશનલ હાઈવેના અધિકારીઓને હેવી બ્લોક નાખીને મજબૂતી કરણ કરવાની સૂચના આપી હતી. આ સૂચના બાદ નેશનલ હાઈવેના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.જૂના રોડને આશરે બે ફૂટ જેટલો ખોદીને ત્યાં પાવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ પુલના આ ભાગને વધુ મજબૂત બનાવીને ભવિષ્યમાં ખાડા પડવાની સમસ્યાને અટકાવવાનો છે. વહીવટીતંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ કામગીરીથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં હાશકારો જોવા મળ્યો છે. વહીવટી તંત્રની આ સમયસર અને સકારાત્મક કાર્યવાહી બદલ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.