ડીસાના ભોપાનગર ફાટક પર 800 મીટર લાંબા ઓવરબ્રિજનું કામ શરૂ

ડીસાના ભોપાનગર ફાટક પર 800 મીટર લાંબા ઓવરબ્રિજનું કામ શરૂ

પાટણ અને સૌરાષ્ટ્રને જોડતા એક માત્ર હાઇવે ઉપર ચક્કાજામ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે

​લાંબા સમયની હાલાકી બાદ સ્થાનિક લોકો, વેપારીઓ અને બનાસવાસીઓમાં ખુશીની લહેર

બનાસકાંઠા જિલ્લાને પાટણ અને સૌરાષ્ટ્રને જોડતાં એકમાત્ર ડીસા- પાટણ નેશનલ હાઇવે નં. 26 ઉપર આવેલ ભોપાનગર રેલવે ફાટક પર આખરે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે. જેથી સ્થાનિક સહિત જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ડીસા- પાટણ હાઇવે વાહનોની અવરજવરથી રાત દિવસ ધમધમતો રહે છે પરંતુ ભોપાનગર રેલવે ફાટક અવારનવાર બંધ હોય છે. રેલવે લાઇનના ડબ્લિંગ બાદ માલગાડીઓનો વધુ ઘસારો રહે છે. જેમાં ઘણી વખત આમને સામને બે માલગાડીઓની આવન-જાવનથી ફાટક લાંબા સમય સુધી બંધ રહે છે. જેથી વાહનોની બંને સાઇડે લાંબી લચક લાઈનો લાગી જાય છે. જે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને 108 વાન પણ ફસાઈ જાય છે.

વાહન ચાલકો અને લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. તેથી વર્ષોની રજૂઆતો બાદ રાજ્ય સરકારે અહીં 800 મીટર લાંબો ઓવરબ્રિજ બનાવવા 87 કરોડ ઉપરાંતના નાણાં મંજુર કર્યા છે.જેથી ગયા મહિને ફાટકે સોઈલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.જે બાદ હવે કોન્ટ્રાકટર દ્વારા કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કે ટ્રાફીક નિયમન માટે રોડ ઉપર પતરાની આડશો કરી વૈકલ્પિક રસ્તાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ડીસા સહિત બનાસવાસીઓ માટે  રાહતના સમાચાર છે. આ બ્રિજ તૈયાર થતા જ ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે.​ભોપાનગર ફાટક એ ડીસાને પાટણ તથા કાઠિયાવાડના મુખ્ય માર્ગોને જોડતી કડી છે. પણ વારંવાર ટ્રેનો- માલગાડીની અવરજવરને કારણે ફાટક બંધ રહેતા અહીં વાહનોની લાઈનો લાગતી હતી.

ખાસ કરીને એમ્બ્યુલન્સ, શાળાની બસો અને નોકરીયાત વર્ગ આ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ રહેતા હતા. ઓવરબ્રિજનું કામ શરૂ થતા હવે આ હાલાકી ભૂતકાળ બની જશે.અને ​વેપાર અને પરિવહનને પણ વેગ મળશે.​ડીસા એ ઉત્તર ગુજરાતનું મોટું વેપારી મથક અને બટાકાની ખેતી માટે જાણીતું શહેર છે. ભોપાનગર ફાટક પરથી દરરોજ હજારોની સંખ્યામાં માલવાહક ટ્રકો પસાર થાય છે.આ બ્રિજ બનવાથી ​માલ-સામાનની હેરફેર ઝડપી બનશે. જેથી ઇંધણ અને સમયની મોટી બચત થશે.

કામ ઝડપથી પૂર્ણ કરવાની લોક અપેક્ષા

ઓવરબ્રિજની ​કામગીરી શરૂ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ઝન માટેની વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી બાંધકામ દરમિયાન લોકોને ઓછી તકલીફ પડે. ત્યારે સ્થાનિક રહિશોએ સરકાર અને તંત્રના આ નિર્ણયને આવકારી ઝડપથી કામ પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *