વિસ્તારમાં પાયાની સુવિધાઓના ગંભીર અભાવ સામે મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો
ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ હાજર ન રહેતા મહિલાઓએ પાલિકામાં માટલા ફોડ્યા
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. ૭મા આવતા ઉમિયા-૧, ઉમિયા-૨ અને રાજનગર-૨ વિસ્તારમાં પાયાની સુવિધાઓના ગંભીર અભાવ સામે મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લાંબા સમયથી ચાલતી અસુવિધાઓથી ત્રસ્ત મહિલાઓ ગુરૂવારે મોટી સંખ્યામાં નગરપાલિકા પહોંચી હતી પરંતુ પાલિકા પ્રમુખ કે ચિફ ઓફિસર સહિત ના જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા મહિલાઓએ પાલિકા ખાતે માટલા ફોડી “નગરપાલિકા હાય હાય”ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે પીવાના શુદ્ધ પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ લોકોને સંઘર્ષ કરવો પડે છે. પાલિકાની ફરજ હોવા છતાં અહીં ૧૫ દિવસે એકવાર ગંદું અને દુર્ગંધયુક્ત પાણી મળે છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ છે.વિસ્તારમાં ભૂગર્ભ ગટરો સતત ઉભરાતી હોવાને કારણે ગંદકી ફેલાઈ રહી છે અને રોગચાળાની ભીતિ સર્જાઈ છે. છતાં સફાઈ કામદારો કે કચરો ઉપાડતી ગાડીઓ નિયમિત આવતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. વર્ષોથી રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડે છે તેમજ અકસ્માતોની સંભાવના વધી છે.રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવથી સમગ્ર વિસ્તાર અંધકારમાં રહે છે,જેના કારણે મહિલાઓ અને બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનો ગંભીર આક્ષેપ મહિલાઓએ કર્યો હતો.

