કોરોનાનો નવો વેરિયંટ વિશ્વમાં હાહાકાર મચાવશે ? ભારતમાં પણ એલર્ટ જાહેર

કોરોનાનો નવો વેરિયંટ વિશ્વમાં હાહાકાર મચાવશે ? ભારતમાં પણ એલર્ટ જાહેર

સિંગાપોર-હોંગકોંગમાં વાયરસે પકડ મજબૂત કરી : મુંબઈમાં કેસ વધતા ખળભળાટ : IPLનો સ્ટાર ખેલાડી પણ સંક્રમિત : સરકારની તાકીદની સૂચનાઓ
કોરોના વાયરસ ફરી એકવાર વિશ્વને પોતાની પકડમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોકો જ્યારે મહામારીને ભૂલીને સામાન્ય જીવનમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે કોવિડ-૧૯ના નવા વેરિયન્ટે ફરીથી ચિંતા વધારી દીધી છે. સિંગાપોર અને હોંગકોંગમાં ઝડપથી ફેલાઈ રહેલા નવા વેરિયંટે હવે ભારતમાં પણ દેખા દીધી છે, જેના કારણે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે. છેલ્લા ત્રણ મહિનાથી મુંબઈમાં કોવિડના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, દર મહિને સરેરાશ ૭ થી ૧૦ કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં મુંબઈની KEM હોસ્પિટલમાં બે દર્દીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે હોસ્પિટલનું કહેવું છે કે બંને દર્દીઓના મૃત્યુ કોરોનાને કારણે નહીં, પરંતુ અન્ય ગંભીર બીમારીઓને લીધે થયા છે, તેમ છતાં તેઓ સંક્રમિત હોવાથી વાયરસની હાજરી સ્પષ્ટપણે વર્તાઈ રહી છે.

મુંબઈમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોને લઈને આરોગ્ય વિભાગે તકેદારી વધારી દીધી છે. KEM હોસ્પિટલમાં નોંધાયેલા બે પોઝિટિવ કેસમાં એક ૫૮ વર્ષીય મહિલાનું કેન્સરથી અને ૧૩ વર્ષની છોકરીનું કિડનીની બીમારીથી મૃત્યુ થયું હતું, પરંતુ બંને કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ પ્રશાસને આ મૃત્યુને અન્ય કારણો સાથે જોડ્યા છે, પરંતુ શહેરમાં ચેપનું જોખમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.દરમિયાન, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ હોવાથી લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મહત્વની મેચમાં રમી શકશે નહીં. ટીમના કોચ ડેનિયલ વેટોરીએ આ વાતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના કારણે હેડને ભારત પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો છે.કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી ગાઈડલાઈન અને ચેતવણીઓ જારી કરી છે. નિષ્ણાતોએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા, નિયમિત રીતે હાથ ધોવા, ઉધરસ અને શરદીના લક્ષણો દેખાય તો ઘરે જ રહેવા અને કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે. સરકારે લોકોને ગભરાટમાં ન આવવા અને સાવચેતીનાં પગલાં ભરવા અપીલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *