પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ એક મોટું નિવેદન આપ્યું છે. નકવીએ ગુરુવારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને તેમના પદ પરથી હટાવવાની અટકળોને ફગાવી દીધી હતી. ગૃહમંત્રીએ તેને દુર્ભાવનાપૂર્ણ અભિયાન ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે નકવીએ આ પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર આવી અટકળો ચાલી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝરદારીની જગ્યાએ આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દેશના રાષ્ટ્રપતિ બનશે.
“રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખને નિશાન બનાવીને ચાલી રહેલા દુર્ભાવનાપૂર્ણ અભિયાન પાછળ કોણ છે તે અમે સંપૂર્ણપણે જાણીએ છીએ,” મોહસીન નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. જોકે, તેમણે કોઈનું નામ લીધું નથી. “મેં સ્પષ્ટપણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ રાજીનામું આપવા અથવા સેના પ્રમુખ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવા ઈચ્છતા હોવા અંગે કોઈ ચર્ચા કે વિચાર પણ થયો નથી,” તેમણે કહ્યું.
પાકિસ્તાનના ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ઝરદારીનો “સશસ્ત્ર દળોના નેતાઓ સાથે મજબૂત અને આદરપૂર્ણ સંબંધ હતો.” “હું જાણું છું કે આ જૂઠાણા કોણ ફેલાવી રહ્યું છે, તેઓ શા માટે કરી રહ્યા છે અને આ પ્રચારથી કોને ફાયદો થઈ રહ્યો છે,” તેમણે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને ટાંકીને કહ્યું.

