તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ 2019 થી વર્ષ 2023-24 ના સમય ગાળામાં મંજૂર થયેલા ૧૦ રેન બસેરા પૈકી એક પણ બન્યા ન હોવા છતાં આશરે 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. જેથી તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસ સોંપતા ડીસાના તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ આ મામલે તપાસ ટીમ બનાવી છે અને આગામી ચાર દિવસમાં અહેવાલ રજૂ કરવાની જાહેરાત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ, મજૂર અને યાત્રાળુઓ માટે રેન બસેરા બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં રેન બસેરાને જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી મંજૂરી મળી હતી. આ યોજનામાં વર્ષ 2019 થી વર્ષ 2022-23 માં યોજનાના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2024 માં બનેલા રેન બસેરા માટે ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી બનાવાયા હતા. જોકે એક આરટીઆઇમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, દર્શાવેલ સ્થળોએ ક્યાંય પણ રેન બસેરા બનાવવામાં આવ્યા નથી. તેમ છતાં, 10 રેન બસેરાના અંદાજિત 36 લાખ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડ જાહેર થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ડીસા તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી. આ ટીમને સ્થળ પર જઈને નિરીક્ષણ કરી સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે. ટીડીઓ જય ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમારી તપાસ ટીમ ચાર દિવસમાં સત્ય હકીકત જાણ્યા બાદ જિલ્લામાં રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ જો ગ્રાન્ટનો દુરુપયોગ થયો હશે તો જિલ્લાના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.આ કૌભાંડને મનરેગા કૌભાંડ જેવું ગણાતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.
કસુરવારો સામે કડક કાર્યવાહીની લોકમાંગ
સ્થાનિક જનતા દ્વારા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, એસ.ઓ., એન્જિનિયર સહિત જે પણ કસૂરવાર હોય તે તમામ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી તંત્ર પાસે લોક અપેક્ષા રાખવામાં આવી રહી છે.