મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતીય મહિલા ટીમે આ મેચ 52 રનથી જીતીને પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમ ઇન્ડિયાની ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અંતે ટ્રોફી જીતી હતી. આ જીત પછી, ભારતીય ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે ભારતીય મહિલા ટીમ તેની આગામી મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમશ.
તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ જીત્યા બાદ, ભારતીય મહિલા ટીમને હવે લાંબો વિરામ મળ્યો છે. હરમનપ્રીત અને તેની ટીમ આગામી ફેબ્રુઆરી 2026 માં ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે સમયે, ટીમ ઈન્ડિયા ઓલ-ફોર્મેટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં, ટીમ ઈન્ડિયા ત્રણ T20 મેચ, ત્રણ ODI મેચ અને એક ટેસ્ટ મેચ રમશે. T20 શ્રેણી પહેલા શરૂ થશે, ત્યારબાદ ODI અને ટેસ્ટ મેચ રમાશે.
ટી20 શ્રેણી 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ સિડનીમાં રમાશે. બીજી મેચ 19 ફેબ્રુઆરીએ કેનબેરામાં અને ત્રીજી મેચ 21 ફેબ્રુઆરીએ એડિલેડમાં રમાશે. વનડે શ્રેણીની વાત કરીએ તો, પહેલી મેચ 24 ફેબ્રુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે. બીજી મેચ 27 ફેબ્રુઆરીએ રમાશે અને અંતિમ મેચ 1 માર્ચે હોબાર્ટમાં રમાશે. એકમાત્ર ટેસ્ટ મેચ 6 માર્ચથી પર્થમાં રમાશે.
ત્યારબાદ ભારતીય મહિલા ટીમ મે મહિનામાં ત્રણ મેચની T20 શ્રેણી માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ શ્રેણી 28 મે થી 2 જૂન સુધી રમાશે. ત્યારબાદ, T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાશે, જ્યાં ભારતીય ટીમનો પહેલો મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે થશે. આ મેચ બર્મિંગહામમાં રમાશે.

