બનાસકાંઠા જિલ્લામાં પવનની દિશા બદલાતા સાથે ભેજવાળા પવનોને લઈ દિવસ રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આગામી ત્રણ ચાર દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ; માર્ચ એપ્રિલની ગરમી વચ્ચે ફરી એક વાર વાતાવરણમાં પલટા સાથે માવઠું થવાની સંભાવના ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ ક્લાઈમેટ ચેન્જ જોવા મળી રહ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશમાં શિયાળુ ઋતુ બાદ હવે ઉનાળાની શરૂઆતમાં પણ વાતાવરણમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અનેક ભાગોમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૯ માર્ચ થી જ વાતાવરણ પલટો આવી શકે છે. તે મુજબ શુક્રવારની વહેલી સવારથી જ પવનની દિશા બદલાતા ભેજવવાળા પવનોના કારણે દિવસ રાત્રીના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન નિષ્ણાતો ના મતે ૨૯ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી કરી છે. જેથી એક બાજુ ઉનાળાનું વાવેતર અને રવિ સિઝનના પાકો લેવાની કામગીરી ચાલુ છે. ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂત વર્ગમાં પણ ચિંતા પ્રસરી ઉઠી છે.
ખેડૂતો માટે વધુ એક સંકટ ઘેરાયું; વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર ને લઇ આગામી સમયમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ રહેલી છે. જેમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદનું સંકટ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. જ્યાં એક તરફ ઘઉં રાજગરો જીરું સહિતના પાકો લેવાઈ રહ્યા છે. અને ખેડૂતોના બટાકાના ઢગલાઓ પણ ખેતરોમાં પડ્યા છે તેવા સમયે કમોસમી વરસાદ ખેતી માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.
જિલ્લામાં ૧૩ કી.મીની ઝડપે પશ્ચિમી પવન ફુંકાતા તાપમાન ઘટી જતાં આકરી ગરમીથી રાહત; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી પશ્ચિમના ભેજવાળા પવન ફૂંકાઈ રહ્યા છે. જીલ્લામાં સતત દિવસ રાત્રીનું તાપમાન ઘટી રહ્યું છે. શુક્રવાર ૧૩ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા -પશ્ચિમી પવન વચ્ચે દિવસના તાપમાનમાં ૧.૭ ડિગ્રી ઘરે રાત્રિના તાપમાનમાં ૩.૭ ડીગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે રાત્રી દરમિયાન વાતાવરણ વધુ ઠંડુ બની રહ્યું હતું અને છેલ્લા એક અઠવાડીયામાં અસહ્ય ગરમીના ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોને રાહત મળી છે.