પાલિકા કચેરીમાં માટલાં લઈ આવેલી મહિલાઓએ ઠાલવ્યો રોષ; પાલનપુર નગર પાલિકાના શાસકો નગરજનોને પીવાનું પાણી પણ પૂરું પાડી શકતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના લક્ષ્મીપુરામાં આવેલી ગોવિંદા હેરીટેઝ સોસાયટીના રહીશોને છેલ્લા છ વર્ષથી પાલિકા પીવાનું પાણી પૂરું પાડી શકી નથી. ત્યારે રોષે ભરાયેલી મહિલાઓએ માટલાં સાથે નગરપાલિકા કચેરીમાં ધસી આવી હલ્લાબોલ કર્યો હતો.
પાલનપુરની ગોવિંદા હેરીટેઝ સોસાયટીની 2019 માં આકારણી થઈ ગઈ છે. 40 ઘર ધરાવતી સોસાયટીના લોકો પાલિકાનો કરવેરો નિયમિત ભરે છે. છતાં તેઓને ધરોઈનું પાણી કનેક્શન આપવામાં પાલિકા ઉણી ઉતરી છે. છેલ્લા છ વર્ષમાં અસંખ્યવાર રજુઆત કરવા છતાં પાલિકાએ પાણી ન આપતા ભર ઉનાળે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વારંવાર ઠાલા આશ્વાસનો આપતા પાલિકાના શાસકોથી કંટાળેલા સ્થાનિક રહીશો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા. જ્યાં માટલાંઓ સાથે આવેલી મહિલા ઓએ ઉગ્ર રજુઆત કરતા પાણી પૂરું પડવાની માંગ કરી હતી.
ગોવિદા હેરીટેઝ સોસાયટીમાં ખારું પાણી આવતા લોકોના માથાના વાળ ઉતરવાની સાથે ચામડીના રોગ થાય છે. છતાં સ્થાનિક નગર સેવકો સહિત પાલિકાના શાસકો તેઓની રજૂઆત સાંભળતા ન હોઈ આક્રોશમાં આવેલી મહિલાઓ સહિતના સ્થાનિકોએ પાણી પાણી ના પોકારોથી કચેરી ગજવી દીધી હતી. જોકે, રોષે ભરાયેલી મહિલાઓ એ પાણી નહિ મળે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.