15 માર્ચ થી સરહદી વાવ સુઇગામ પંથક ની કેનાલો માં નર્મદા નું પાણી બંધ થઈ જતાં હજારો હેકટર જમીન માં ઉભેલો પાક મુરઝાવા લાગ્યો હતો. ત્યારે વાવ તાલુકા કિસાન સંઘ વાવ તાલુકા સરપંચ યુનિયન ખેડૂત સંગઠન તેમજ સાંસદ અને ધારાસભ્યએ મુખ્યમંત્રી એ પત્ર લખી પાણી છોડવાના મુદ્દે રજુઆત કરતા ત્યાર બાદ ગતરોજ તારીખ 16 એપ્રિલ થી સરહદી પંથકની બ્રાન્ચ માઇનોર સબમાઈનોર માં પાણી છોડાતા સરહદી વાવ સુઇગામ પંથકની હજારો હેકટર જમીન માં ઊભેલા કરોડો રૂપિયાના પાકને જીવતદાન મળ્યું છે. વધુમાં સરહદી પંથકમાં નર્મદાના નીર પહોંચતા આ વિસ્તારના પશુધન પક્ષીઓ તેમજ વન્ય જીવો ને 45 ડીગ્રી તાપમાન માં જીવતદાન મળતાં હાશકરો અનુભવ્યો છે.
આ બાબતે અમારા રખેવાળ ના સરહદી રિપોર્ટરે સરહદી છેવાડા ના કસ્ટમ રોડ ના ગામોની મુલાકાત લેતા રાછેણા ગામના ખેડૂત અગ્રણી અને વાવ તાલુકાના સરપંચ યુનિયન ના પ્રમુખ કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે આજરોજ છેક પાક બોર્ડર ના છેલ્લા રાછેણા ગામ સુધી પાણી પહોંચી ચૂક્યું છે. જો એક સપ્તાહ પાણી મોડું મળ્યું હોત તો કરોડો રૂપિયાનો ઉભો પાક નો સોથ બોલી જતો ખેડૂતો ને માથે ઓઢીને રોવાનો વારો આવોત વધુ માં કેટલાય રખડતા વન્ય જીવો અને પશુ પક્ષીઓ 45 ડીગ્રી ગરમી માં મોત ને વ્હાલું કર્યું હોત. સરહદી પંથક ની જનતા એ રાજ્ય સરકાર મીડિયા કર્મી મિત્રો અને મદદરૂપ થનાર સંગઠનો નો આભાર માન્યો હતો. નર્મદા માં નીર અવતાની સાથે જ પશુ પક્ષીઓ કિલોલકુંજ કરતા થઈ ગયા છે જ્યારે ખેડૂતના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે.