તંત્રની નિષ્કાળજી મુદ્દે રહીશો અને વેપારીઓમાં રોષ; બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વરસેલા 7 ઇંચ જેટલાં વરસાદે તારાજી સર્જી છે. પાલનપુરના અમદાવાદ હાઇવે પર આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં ભરાયેલા પાણી વરસાદ વરસ્યાને 24 કલાક બાદ પણ ઓસર્યા નથી.તેને કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો સહીત વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે.
પાલનપુરમાં ગુરુવારે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેથી શહેરી સહિત હાઇવે વિસ્તાર પાણી પાણી થયો હતો.સાત ઇંચ જેટલો વરસાદ આવે અને શહેરના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય તે વાત કેટલેક અંશે વ્યાજબી છે. પરંતુ વરસાદ થંભી જાય અને આ પાણી ન ઓસરે એના માટે બેદરકારી તંત્રની જ ગણી શકાય.પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં ક્યાંક ઢીંચણ સમા તો ક્યાંક કેડ સમા પાણી ભરાયા છે પરંતુ વરસાદે વિરામ લીધાને 24 કલાક થવા છતાં પણ પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલી સોસાયટીમાં ભરાયેલા પાણી ઓસર્યા નથી.શુક્રવારે પણ આ સોસાયટીના કેટલાક વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયેલા છે.ગુરુવારે વરસાદ આવ્યો અને આ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા જો કે ઘરોમાંથી તો પાણી નીકળી ગયા પરંતુ સોસાયટીમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેને કારણે આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે પાલનપુરથી અમદાવાદ હાઈવે પર ગુરુવારે પાણી ભરાયા તો એ પાણીનો નિકાલ કરવા તંત્ર એ જીસીબી મૂક્યા અને હાઇવેના પાણી સીધા રહેણાંક વિસ્તારમાં વાળ્યા. જેથી આ તારાજી સર્જાઇ છે પરંતુ હવે આ રહેણાંક વિસ્તાર સામે તંત્ર ધ્યાન નથી આપતું તેવા પણ ગંભીર આક્ષેપો આ વિસ્તારના સ્થાનિકો કરી રહ્યા છે જોકે મુશ્કેલીમાં મુકાયેલા આ સ્થાનિકો અત્યારે તો તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર આ વિસ્તારમાં પહોંચે અને આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરી આ વિસ્તારના લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવે.