કાંકરેજ વિધાનસભાના ડીસાનાં તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ ભરવા ધારાસભ્યની રજૂઆત; બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભાના ડીસા તાલુકાના ખાલી તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ ભરવા માટે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કેબિનેટ મંત્રીને રજૂઆત કરી છે. ડીસા તાલુકાના ભૂગર્ભમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જવાથી ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવાથી ખેડૂતો અને પશુપાલકોને મોટો ફાયદો થશે.
વેળાવાપુરા, સાવીયાણા, સમો મોટા, સમો નાના, ધારીસણા, ભદ્રામલી, ઝાબડિયા, સદરપુર, લુણપુર, નવા ગામ, આસેડા, ખરડોસણ, માણેકપુરા, કણઝરા સહિતનાં ગામોના તળાવો ખાલી છે. તેથી ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વકરી રહી છે.આ ગામડાઓના ગ્રામજનો તેમના તળાવો નર્મદાના નીરથી ભરવાની માંગ કરી રહ્યા છે.
આ તળાવો પૈકીનાં કેટલાંક તળાવોમાં પાણીની પાઇલાઇન નાખવામાં આવી છે. તો બાકીનાં તળાવોમાં બાકી છે. જે તળાવોમાં પાણીની પાઇલાઇન છે તે તળાવોમાં પણ પાણી આપવામાં આવ્યું નથી. પાણીની અછતને કારણે ગ્રામજનોને ખેતી અને પશુપાલનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની તંગીને કારણે ગામડાઓમાં લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે. ગ્રામજનોએ પાણીની સમસ્યાના નિરાકરણ માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.