બેદરકારીભર્યા ખોદકામથી કેબીન અને પાઇપલાઇનને ભારે નુકસાન સદભાગ્ય જાનહાની ટળી
પાલનપુરના મીરાગેટ વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં પીવાના પાણી માટે અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક કોટ ધરાશાઈ થતા અફરાતફરી મચી ગઈ હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આડેધડ ખોદકામ થતા રોડ સાઇડનો પથ્થરનો કોટ તૂટી પડ્યો હતો. કોટ ધરાશાઈ થતાં ગાર્ડન પાસે આવેલ એક કેબિન ખાડામાં ખાબકી ગયું હતું, જ્યારે અન્ય ચાર જેટલા કેબિનને પણ નુકસાન પહોંચ્યું હતું.
પાલનપુર નગરપાલિકા દ્વારા મીરાગેટ સામે આવેલ ગાર્ડનમાં પીવાના પાણીના સંગ્રહ માટે લાખો રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ સંપ બનાવવા કામ શરૂ કરાયું છે. જેસીબી મશીન દ્વારા ખોદકામ દરમિયાન મેઇન રોડની બાજુમાં આવેલા પથ્થરના કોટના પાયા અડીને ખોદકામ કરવામાં આવતા કોટ ધરાશાઈ થઈ પડ્યો હતો.
કોટ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં ધૂળધક્કા સાથે અફરાતફરી સર્જાઈ હતી. કોટની બાજુમાં આવેલ પાણીની પાઇપ લાઇન તેમજ અન્ય લાઈનોને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટરની ઘોર લાપરવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

