સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ઉઠી
ડીસા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ બીમારીના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ચોમાસા પછીની ઋતુમાં ફેલાતા વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.જેના કારણે શહેરોની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી જ હોસ્પિટલોના ઓ.પી.ડી. (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) માં લાંબી કતારો જોવા મળે છે, જેના કારણે આરોગ્ય તંત્ર પરનું ભારણ વધ્યું છે.
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,જિલ્લામાં દૈનિક ધોરણે સરેરાશ 200 થી વધુ નવા કેસ ફક્ત વાયરલ લક્ષણો સાથેના નોંધાઈ રહ્યા છે. જેમાં ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે.સ્થાનિક તબીબોના મતે, આ ઋતુગત ફેરફાર અને બદલાતા હવામાનને કારણે વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. જો કે, કેટલાક કેસોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના શંકાસ્પદ લક્ષણો પણ જોવા મળ્યા છે, જેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.જો કે, વાયરલ રોગચાળો વકરવા પાછળ બિન આરોગ્યપ્રદ પાણી, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ મુખ્ય કારણો હોવાનું મનાય છે. પરંતુ નગર પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ (ધૂમાડો) અને સફાઈની કામગીરી પૂરતા પ્રમાણમાં ન થતી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, “અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. તમામ સરકારી દવાખાનાઓમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે અને વધારાની મેડિકલ ટીમોને પણ સ્ટેન્ડબાય રખાઈ છે. લોકોને ગભરાયા વગર સ્વચ્છતા જાળવવા અને તુરંત જ સારવાર લેવા અપીલ કરવામાં આવે છે.”
નાગરીકોને તબીબોની અપીલ
સ્થાનિક તબીબોએ નાગરિકોને અપીલ કરી છે કે,સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખો.ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દો, જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય.તાવ કે શરદી જેવા અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.અને તબીબની સલાહ મુજબ સારવાર લેવી તેમજ બિન જરૂરી બહારનો કે પ્રદૂષિત ખોરાક લેવાનું ટાળો.

