બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવ-થરાદ જિલ્લાની રચના સામે ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025થી અમલી બનાવેલા આ નિર્ણય સામે છેલ્લા 15 દિવસથી સ્થાનિક લોકો આંદોલન ચલાવી રહ્યા છે. ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેતૃત્વમાં ચાલી રહેલા આ આંદોલનમાં ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્યો મફતલાલ પુરોહિત અને નથા પટેલ સહિત રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા છે. અત્યાર સુધી ધાનેરા બંધ, રેલી અને ધરણાં પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા બાદ હવે આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે.
આગામી 21 જાન્યુઆરી મંગળવારે બપોરે 12 વાગ્યે ધાનેરા હાઈવે પર આવેલા મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભાની તૈયારીઓના ભાગરૂપે શુક્રવારે રામબાઈશા આશ્રમ ખાતે સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી. સમિતિ દ્વારા ગામેગામ ખાટલા બેઠકો અને સભાઓનું આયોજન કરી લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કાંકરેજ અને દિયોદર તાલુકાની જનતા પણ આ વિભાજનનો વિરોધ કરી રહી છે.