ગામ સહિત આજુબાજુના ગામોની પ્રજાને હાલાકી: ડીસા તાલુકાનું સૌથી મોટુ જૂનાડીસા ગામ આજુબાજુના 20 જેટલા ગામોનું સેન્ટર ગામ છે.તેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામજનો વર્ષોથી ડીસા નાયબ કલેકટરથી માંડી તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆતો કરીને થાક્યા છે. તેમ છતાં તંત્ર તેમની વ્યાજબી માંગણી સંતોષતું નથી.જેને લઈ ગામ લોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે.
હાલમાં ખાનગી આરોગ્ય સેવા મોંઘીદાટ થઈ ગઈ છે.તેથી ગરીબ, મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ લે છે. પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કારણે લોકોને પૂરતી આરોગ્ય સેવા મળતી નથી.તેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામ પંચાયતના લેટર પેડ પર જાગૃત નાગરિકો દ્વારા વર્ષોથી લેખિતમાં રજૂઆતો કરાય છે. નાયબ કલેકટરથી માંડી તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆતો કરીને લોકો કંટાળ્યા છે. ધારાસભ્યે પણ ભલામણ કરી છે. તેમ છતાં નઘરોળ વહીવટી તંત્ર ગામલોકોની વ્યાજબી રજુઆત કાને ધરતું નથી.તેથી ગામ લોકોની હાડમારીઓ વધી પડી છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય કેન્દ્રના જર્જરીત મકાનને નવું બનાવવા ગ્રામ પંચાયતના ઠરાવના આધારે જિલ્લા પંચાયતે ઠરાવ કરતા તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારીએ મકાન નવું બનાવવા આદેશ પણ કર્યો છે તેમ છતાં વર્ષોથી તેમના આદેશની પણ અવગણના કરવામાં આવે છે. તેથી તંત્ર પ્રત્યે ગામલોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે.